નવી દિલ્હી-મુંબઇ: ભારતમાં પહેલીવાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાની સંખ્યા ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી) કરાવનારા કરતાં વધી ગઇ છે. વેબપોર્ટલ બેન્કબાજારના તાજા સર્વે સામેલ 57 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે આ વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે, જ્યારે 54 ટકા લોકોએ એફડીમાં બચત કરી છે અને 20 ટકાથી વધુ લોકોએ બંને વિકલ્પ પસંદ કર્યા છે. એફડી કરાવનારામાં મોટા ભાગના લોકોની ઉંમર 35 વર્ષથી વધુ છે, જ્યારે મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા મોટા ભાગના 22થી 34 વર્ષના છે.
આ સર્વેમાં સામેલ 35 વર્ષથી વધુ ઉંમરના 67 ટકા લોકોએ એફડી કરાવવાનું પસંદ કર્યું છે, તો 22થી 27 વર્ષના 59 ટકા નોકરિયાત યુવાનોએ મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપી છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડ પર વિશ્વાસ કરનારા 67 ટકા લોકો પૂર્વોત્તર રાજ્યના છે. 65 ટકા લોકો પંજાબ, હરિયાણા, દિલ્હી જેવાં ઉત્તરીય રાજ્યોના છે, તો સૌથી ઓછા 46 ટકા દક્ષિણના રાજ્યોના છે.
પુરુષો કરતાં મહિલાઓ આગળ
આ સર્વે પ્રમાણે, મહિલાઓની સેવિંગ્સ પેટર્ન ઝડપથી બદલાઈ રહી છે. આ ફેરફાર કોરોના કાળમાં શરૂ થયો છે. આ વર્ષે રોકાણ કરનારી 60 ટકા મહિલાઓએ કહ્યું છે કે તેઓ એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) થકી રોકાણ કરે છે, જ્યારે એસઆઈપી થકી રોકાણ કરનારા પુરુષોની સરેરાશ 55 ટકા છે. ભારતમાં પહેલી વખત એવું બન્યું છે કે એસઆઇપી દ્વારા રોકાણ કરવામાં પુરુષો કરતાં મહિલાઓ આગળ નીકળી ગઇ હોય. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલાં સુધી એસઆઈપીથી રોકાણ કરનારી મહિલાઓની સરેરાશ 40 ટકાથી પણ ઓછી હતી.