નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2014 બાદથી કેટલાક ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે અને ભારત એશિયા તથા વિશ્વના ગ્રોથમાં ચાલક બળ બનીને ઊભરશે, તેમ મોર્ગન સ્ટેનલીના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર આજનું ભારત 2013ના ભારતથી અલગ છે. દસ વર્ષના ટૂંકા ગાળામાં મેક્રો અને માર્કેટ આઉટલૂક માટે નોંધપાત્ર હકારાત્મક પરિણામો સાથે ભારતે વિશ્વ ક્રમમાં સ્થાન મેળવ્યું છે.
ભારત વિશ્વનું બીજું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર હોવા છતાં અને 25 વર્ષથી ટોપ પરફોર્મિંગ સ્ટોક માર્કેટ્સમાં હોવા છતાં ભારતનો દેખાવ તેની ક્ષમતા મુજબનો ન હોવાની વિદેશી રોકાણકારોની શંકા બાબતમાં રિપોર્ટમાં જણાવાયું છે કે આ પ્રકારનો દૃષ્ટિકોણ ભારતમાં ખાસ કરીને 2014થી થયેલા નોંધપાત્ર ફેરફારોની અવગણના કરે છે.
10 મોટા પરિવર્તન
રિપોર્ટમાં હાઇલાઇટ કરાયેલા દસ મોટા ફેરફારમાં સપ્લાય-સાઇડ પોલિસી રિફોર્મ્સ, ઇકોનોમીનું ફોર્મલાઇઝેશન, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, એફડીઆઇ પર ફોકસ અને ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ સામેલ છે.
આ ફેરફારો ભારતની પોલિસી પસંદગીઓના કારણે છે. રિપોર્ટમાં એવી આશા વ્યક્ત કરાઇ છે કે આના પરિણામે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સ બંનેનો હિસ્સો વધવાથી મેન્યુફેક્ચરિંગ અને કેપેક્સની નવી સાઇકલ શરૂ થઇ શકે છે.
2031 સુધીમાં વૈશ્વિક નિકાસ બજારમાં ભારતનો હિસ્સો વધીને 4.5 ટકા થવાના અને કન્ઝમ્પ્શન બાસ્કેટમાં મોટા શિફ્ટના અંદાજ સાથે રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાવર્ષ 2031-32 સુધીમાં ભારતની માથાદીઠ આવક 2,200 ડોલરથી વધીને 5,200 ડોલર થવાથી કન્ઝમ્પ્શન બાસ્કેટમાં મોટા ફેરફારો જોવા મળશે.