લંડનઃ ભારતીય હાઈ કમિશનર નવતેજ સરનાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયની ભૂમિકાને બિરદાવી હતી. તેઓ ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સહકારમાં ઝોરોસ્ટ્રિયન ઓલ પાર્ટી પાર્લામેન્ટેરિયન ગ્રૂપ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટના કમિટી હોલમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. ‘Faith based ethics in Business: The Cadbury and The Tata Way’ વિષય પર વિશેષ મહેમાન વક્તા સરનાની સાથે અન્ય બે વક્તા યુકેમાં તાતાના વડા ડેવિડ લેન્ડ્સમેન OBE અને કેડબરી એન્ડ સ્વેપ્સના પૂર્વ ચેરમેન સર મોમિનિક કેડબરી દ્વારા પણ વક્તવ્યો અપાયા હતા. લોર્ડ કરણ બિલિમોરિયાએ આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું.
હાઈ કમિશનરે યાદ અપાવી હતી કે ૧૦૦૦ કરતા વધુ વર્ષ અગાઉ પોતાના ધર્મનું મુક્તપણે પાલન થઈ શકે અને તેનો પ્રચાર પણ કરી શકાય એવા સ્થળની શોધમાં ઈરાનથી નીકળેલા ગણ્યાંગાંઠ્યાં લોકો ભારતીય તટે આગમન થયું હતું. ઝોરોસ્ટ્રિયન્સ અથવા પારસી તરીકે ઓળખાયેલાં આ લોકો ભારતીય ધર્મો અને વંશીયના પોતના તાણાવાણામાં એકરસ થઈ ગયા હતા.
સદીઓ દરમિયાન ઓળખ અને સંસ્કૃતિની મજબૂત લાગણીને જાળવી રાખવા સાથે પારસીઓએ ભારતમાં સમૃદ્ધ પ્રદાન કર્યું છે. હાઈ કમિશનરે આધુનિક ભારતના ઈતિહાસમાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષ ભૂમિકા ભજવનારા દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, ડો. હોમી ભાભા, ફિલ્ડ માર્શલ સામ માણેકશા અને ઉસ્તાદ ઝુબીન મહેતા જેવાં વ્યક્તિત્વોને યાદ કર્યા હતા.