ભુવનેશ્વરઃ સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પરીણ સફળ રહ્યું છે. રવિવારે સવારે ૧૧.૧૫ વાગ્યે ઓરિસ્સાના અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી મિસાઇલને ફાયર કરવામાં આવી હતી. આ એક સુપરસોનિક બેલાસ્ટિક મિસાઇલ છે, જે ૨૦૦૦ કિલોમીટરની રેન્જમાં આવતી દુશ્મનોની મિસાઇલને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. ડીઆરડીઓ ઓફિસરોએ જણાવ્યું કે, મિસાઇલે બંગાળની ખાડીમાં તેના ટાર્ગેટને હિટ કર્યો છે.
આ મિસાઇલ સંપૂર્ણ રીતે ભારતમાં બનેલી છે. તેને ડીઆરડીઓએ બનાવી છે. તેની લંબાઈ ૭.૫ મીટર છે, જેમાં એડવાન્સ નેવિગેશન સિસ્ટમ લગાવી છે. એન્ટી બેલાસ્ટિક મિસાઇલ સુપરસોનિક (હવાથી પણ ઝડપી) છે. હાલ મિસાઇલ ૨૦૦૦ કિમી સુધી હવામાં એટેક કરી શકે છે, જેને અપગ્રેડ કરવામાં આવી રહી છે.
ભારતના સુપરસોનિક મિસાઇલ પરીક્ષણથી રોષે ભરાયેલા પાકિસ્તાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝે સોમવારે જણાવ્યું હતું કે, ભારતના મિસાઈલ પરીક્ષણો અમેરિકાની મદદથી થાય છે. સતત મિસાઇલ પરીક્ષણથી એશિયામાં સંતુલન બગડી જશે.
અઝીઝે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પણ પોતાના સંરક્ષણ માટે એડવાન્સન્ડ મિસાઇલ ટેકનોલોજી અપગ્રેડ કરતો રહેશે. અમેરિકા ભારતને ચીન સામે ઉભું કરવા માટે સતત તેની દરેક પ્રકારે મદદ કરી રહ્યું છે. આ બાબતમાં અમેરિકામાં બેવડા ધોરણો અપનાવી રહ્યું છે.