ભારતમાં સજાતીય સંબંધ કાયદેસરઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Friday 07th September 2018 08:37 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદામાં બે પુખ્તો વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ઠરાવ્યા છે. એલજીબીટી (લેસ્બિયન-ગે-બાયસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર) સમુદાયની લાંબા સમયથી પડતર માગણી સ્વીકારતાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચે ઇંડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ ૩૭૭ની જોગવાઇઓને આંશિક રીતે રદ કરી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન એફ. નરિમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ ચાર અલગ-અલગ, પરંતુ એકસમાન ચુકાદા આપ્યા હતા. ચીફ જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકરે સંયુક્ત ચુકાદામાં જણાવ્યું હતું કે, હોમોસેક્સ્યુઅલ, હિટરોસેક્સ્યુઅલ, લેસ્બિયન અને અન્ય સેક્સ્યુઅલ માઇનોરિટી સમુદાયોમાં સંમતિથી બંધાતા શારીરિક સંબંધોને આઇપીસી કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે નહીં. જોકે આની સાથોસાથ તેમણે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સગીર સાથે બંધાતા સજાતીય સંબંધ તેમજ પ્રાણી સાથે થતા સમાગમ કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે.
સુરેશ કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશન કેસમાં વર્ષ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ઊલટાવી નાખતાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, સ્વ-અભિવ્યક્તિ પર પ્રતિબંધ મૃત્યુ સમાન છે. કલમ ૩૭૭ ગેરવ્યાજબી, અસંરક્ષિત અને પક્ષપાતી છે. એલજીબીટી સમુદાયનાં લોકો ભારતના નાગરિકને મળતા અધિકાર ધરાવે છે. સામાજિક નૈતિકતા બંધારણીય નૈતિકતા પર હાવી થઇ નાગરિકના મૂળભૂત અધિકારોને છિનવી શકે નહીં. શરીરની જરૂરિયાત જૈવિક લક્ષણ છે. કોઇ વ્યક્તિ પ્રત્યે થતા આકર્ષણને કોઇ અટકાવી શકતું નથી. તેના પર પ્રતિબંધ લાદવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન થાય છે.

ચુકાદામાં કયા જજે શું કહ્યું?

• હું જેવો છું તેવો મને સ્વીકારો: ચીફ જસ્ટિસ મિશ્રા
ચીફ જસ્ટિસ (સીજેઆઇ) મિશ્રાએ જણાવ્યું હતું કે, હું જે છું તે છું, હું જેવો છું તેવો મને સ્વીકારો. કોઇ પોતાની આગવી ઓળખથી છટકી શક્તું નથી. દરેક વાદળમાં મેઘધનુષ શોધો. દરેકને વ્યક્તિગત સ્વાયત્તતા છે. આપણે અણગમાને ત્યાગીને નાગરિકોને સશક્ત બનાવવાનાં છે. સજાતીયતા માનસિક રોગ નથી. વ્યક્તિગત પસંદગીનું સન્માન સ્વતંત્રતાની સુગંધ છે. એલજીબીટી સમુદાય પણ બંધારણમાં સમાન અધિકાર ધરાવે છે. આ સમુદાય પણ માનવીય અભિગમની આશા રાખે છે. આજનો ચુકાદો આ સમુદાય માટે આત્મસન્માન, સમાનતા અને સ્વતંત્રતા લઇને આવ્યો છે. તેમને તેમની પસંદગી કરવા દેવી જોઇએ.

બંધારણના આર્ટિકલ ૧૪નું ઉલ્લંઘન કરે છે: જસ્ટિસ ખાનવિલકર

સીજેઆઇ સાથેના સંયુક્ત ચુકાદામાં જસ્ટિસ એ. એમ. ખાનવિલકરે જણાવ્યું હતું કે, દરેકની વ્યક્તિગત શારીરિક સ્વાયત્તતા હોય છે. આ મામલો પસંદગી અને આત્મગૌરવનો છે. કલમ ૩૭૭ બંધારણના આર્ટિકલ ૧૪નું ઉલ્લંઘન કરે છે.
સમાજમાં ઘર કરી ગયેલી વિપરિત માનસિકતાનું પરિણામ : જસ્ટિસ ચંદ્રચૂડ
જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, ભારતમાં બંધારણના અમલના ૬૮ વર્ષ પછી મેકુલેનો વારસો વિદાય થઇ રહ્યો છે. મેકુલેનો વારસો પ્રેમ કરવાના માનવ સ્વભાવને દબાવી દેતો હતો. જાતીય પસંદગી ઇન્ટરનેટ પર બ્લેકમેઇલિંગનું કારણ બની ગઇ હતી. કુદરતની કઇ બાબતને પરવાનગી આપવી અથવા ન આપવી તે અંગે સરકાર નિર્ણય લઇ શકે નહીં. આઇપીસીની કલમ ૩૭૭ સમાજમાં ઘર કરી ગયેલી માનસિકતાનું પરિણામ છે. આ કલમને કારણે થયેલી કરુણાંતિકાઓ અને પરેશાનીઓનું વળતર ચૂકવવું જોઇએ. આ કલમ લોકોની સતાવણી કરી રહી છે. બહુમતીમાં પ્રવર્તતી માનસિકતા સેક્સ્યુઅલ માઇનોરિટીને એકાંતમાં રહેવાની ફરજ પાડતી હતી. સજાતીયતાને અપરાધ ગણવી ગેરબંધારણીય છે. એલજીબીટીક્યૂ સમુદાય જાતીય સુગમતા અને સાથીની પસંદગી સહિતના તમામ બંધારણીય અધિકાર ધરાવે છે.
સરકાર પરેશાની ઘટાડવા અભિયાન શરૂ કરે: જસ્ટિસ નરિમાન
જસ્ટિસ આર. એફ. નરિમાને જણાવ્યું હતું કે, નવેમ્બર ૨૦૦૬માં ઇન્ડોનેશિયાના યોગ્યકાર્તામાં માનવાધિકાર સંગઠનોએ માનવાધિકારો સિદ્ધાંતોનો દસ્તાવેજ જારી કર્યો હતો. જેમાં આર્ટિકલ ૧૪નું પ્રતિબિંબ પડે છે. સજાતીય લોકોને ગૌરવ સાથે જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે, તેમને પણ સામાન્ય માનવી જ ગણવા જોઇએ. તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા મેન્ટલ હેલ્થકેર એક્ટમાં સજાતીયતાને માનસિક રોગ ગણાવાઇ નથી. કેન્દ્ર સરકારે એલજીબીટી સમુદાયનાં લોકોની પરેશાનીઓ ઘટાડવા અભિયાન શરૂ કરવું જોઇએ.
સમાજ એલજીબીટી સમુદાયની માફી માગે : જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા
જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, સમાજે વર્ષોથી એલજીબીટીકયૂ સમુદાય પર અત્યાચારો ગુજાર્યા છે. તેમની સાથે પક્ષપાત કર્યો છે. આ સમુદાયને હંમેશાં અણગમાથી જોયો છે. સમાજે આ સમુદાયને વર્ષો સુધી આપેલી યાતનાઓ માટે માફી માગવી જોઇએ.

આઈપીસી કલમ ૩૭૭ઃ
બ્રિટનથી ભારત સુધીની સફર

• કલમ ૩૭૭ અંતર્ગત જો કોઈ વ્યક્તિ પુરુષ, મહિલા કે પ્રાણી સાથે કુદરતની વિરુદ્ધ સંબંધ બાંધે તો તે અપરાધ ગણાય છે.
• ૧૦ વર્ષથી માંડીને આજીવન કેદ અને દંડ.
• કલમ ૩૭૭ અંતર્ગતનો અપરાધ બિનજામીનપાત્ર.
• ૧૨૯૦માં બ્રિટનમાં અકુદરતી સંબંધનો પહેલો મામલો.
• ૧૫૩૩માં બ્રિટનમાં ફાંસીની સજા સાથે બગરી એક્ટ ઘડાયો.
• ઈ.સ. ૧૮૧૭માં બગરી એક્ટમાંથી ઓરલ સેક્સને અપરાધની શ્રેણીમાંથી બાકાત થયું.
• ૧૮૬૦માં ભારતમાં કલમ ૩૭૭ લાગુ થઇ.
• ઈ.સ. ૧૮૬૧માં આઈપીસી કલમ ૩૭૭માંથી ફાંસીની જોગવાઈ હટાવાઈ.

•••

સજાતીયતા: ૧૫૮ વર્ષ જૂના પ્રતિબંધનાં ટ્વિસ્ટ અને ટર્ન્સ

- ૧૯૯૪: તિહારમાં કોન્ડોમ પર પ્રતિબંધ લાદી દેવાતાં એબીવીએ નામની સ્વૈચ્છિક સંસ્થા સહિતની એનજીઓએ દિલ્હી હાઇ કોર્ટમાં કલમ ૩૭૭ નાબૂદ કરવાની માગ કરતી અરજી કરી
- ૨૦૦૧: નાઝ ફાઉન્ડેશન દ્વારા કલમ ૩૭૭ નાબૂદ કરવા દિલ્હી હાઇ કોર્ટમાં અરજી
- ૨૦૦૪થી ૨૦૦૮: • કોર્ટે પીટિશન રદ કરી • એક્ટિવિસ્ટોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી • ભારત સરકારનાં મંત્રાલયોએ વિરોધાભાસી સોગંદનામાં રજૂ કર્યાં • સુપ્રીમ કોર્ટે અનૈતિકતાની દલીલ ફગાવી • સરકારે કહ્યું સંસદને નિર્ણય લેવા દો
૨ જુલાઇ ૨૦૦૯: દિલ્હી હાઇ કોર્ટે સજાતીયતાને અપરાધમાંથી મુક્તિ આપી
૨૦૦૯થી ૨૦૧૨: ધાર્મિક સંગઠનો, વ્યક્તિઓએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
૨૦૧૫: સજાતીયતાને અપરાધમાંથી મુક્તિની માગ કરતા કોંગ્રેસના સાંસદ શશિ થરુરના ખરડાને લોકસભાએ નકાર્યો
જાન્યુઆરી ૨૦૧૮: સુપ્રીમે ૨૦૧૩ના ચુકાદા પર પુનઃવિચાર માટે બંધારણીય બેન્ચને જવાબદારી આપી
જુલાઇ ૨૦૧૮: સરકારે કહ્યું સુપ્રીમ ડહાપણથી નિર્ણય લે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter