નવી દિલ્હીઃ નેપાળની સાથે ભારતમાં પણ આવેલા ભૂકંપથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૭૨ થઇ છે. નેપાળમાં રાહત અને બચાવ કાર્ય માટે વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓની ટીમ કાઠમંડુ રવાના થઇ છે. નેપાળમાં ફસાયેલા અંદાજે ૨૫૦૦ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. નેપાળમાં ફસાયેલા વિદેશી નાગરિકો જો ભારત આવવા ઇચ્છતા હોય તો તેમને ફ્રી વિઝા આપવાની જાહેરાત કરવામાં આવી છે. નેપાળમાં રાહત અને બચાવ કાર્ય માટે લોકસભાના સાંસદોએ પોતાના એક મહિનાનો પગાર દાનમાં આપવાની જાહેરાત કરી છે.
ભારતમાં ભૂકંપની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી હતી. બિહારમાં ભૂકંપથી ૫૬ લોકોનાં મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં ૧૨, પશ્ચિમ બંગાળમાં ૩ અને રાજસ્થાનમાં ૧ વ્યકિતનું મોત થયું છે. ભૂકંપ અને ત્યારબાદ આવેલા આફટરશોક્સને કારણે દેશમાં કુલ ૨૮૮ લોકો ઘાયલ થયા છે.