મુંબઈ: ભારતના સૌથી મોટા નમક ઉત્પાદક રાજ્યો ગુજરાતમાં સિઝન મોડી થવાને કારણે દેશમાં મીઠાનું કુલ ઉત્પાદન લગભગ 30 ટકા ઘટવાની સંભાવના છે. ચોમાસાની સિઝન લાંબી ખેંચાતા મીઠા ઉત્પાદક વિસ્તારોમાં મોટા ભાગના અગરિયાઓ લાંબો સમય પાણીથી ભરેલા રહ્યા હતા, જેના પગલે મીઠું પકવવાની કામગીરી મોડી શરૂ થઇ હતી. પરિણામે ચાલુ વર્ષે ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન ઘટવાની ભીતિ વેપારીઓએ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં દર વર્ષે સરેરાશ 3 કરોડ ટન મીઠાનું ઉત્પાદન થાય છે અને તેમાં ગુજરાતનો લગભગ 90 ટકા હિસ્સો છે. ગત વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહ્યો હતો. પરિણામે મીઠાના અગરિયાઓને ઓછો સમય મળ્યો હતો. સામાન્ય રીતે રાજ્યમાં મીઠું પકવવાની સિઝન ઓગસ્ટથી શરૂ થઇ જાય છે. મીઠાનું ઉત્પાદન 30 ટકાથી વધુ ઘટવાના કિસ્સામાં ભારત સરકાર તેની નિકાસ પર નિયંત્રણો લાદી શકે છે એવું મીઠાના અગ્રણી નિકાસકારોનું માનવું છે.