નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ) આ વર્ષના અંત સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી ‘ઇ-રૂપી’ લોન્ચ કરશે. આવું કરનાર દુનિયાનો પહેલો મોટો દેશ બનશે. આમ તો 11 દેશ ડિજિટલ કરન્સી લોન્ચ કરી ચૂક્યા છે. જોકે એ બધા જ નાના દેશ છે. જેમ કે બહામાસ, જમૈકા, નાઇજિરિયા અને ઇસ્ટર્ન કેરિબિયનના આઠ દેશ. ચીનમાં છેલ્લા બે વર્ષથી ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટના સ્તર પર છે અને ટેસ્ટિંગ જારી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હજુ પણ રિસર્ચના તબક્કામાં છે.
રિઝર્વ બેન્કે શુક્રવારે કહ્યું હતું કે તે પાયલટ પ્રોજેક્ટ પર ડિજિટલ કરન્સી (CBDC) લોન્ચ કરશે. પાયલટ પ્રોજેક્ટમાં કેટલીક સ્થિતિમાં જ ઇ-રૂપીનો ઉપયોગ કરાશે. બેન્ક તેના ઉદ્દેશ્યો, ફાયદા તેમજ જોખમોને લઇને એક કન્સેપ્ટ નોટ પણ જારી કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડિજિટલ કરન્સીનો સૌથી પહેલા ઉપયોગ જથ્થાબંધ કારોબાર માટે કરાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ દરમિયાન ડિજિટલ કરન્સી જારી કરવાની જાહેરાત કરી હતી. પાયલટ પ્રોજેક્ટ માટે દેશની ચાર સરકારી બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાને સામેલ કરાઇ છે.
પછી ખિસ્સામાં રોકડા રાખવાની જરૂર નહીં રહે
• ડિજિટલ કરન્સી શું છે? ભારતની ડિજિટલ કરન્સી ઇ-રૂપી તરીકે ઓળખાશે. તે ભારતીય ચલણને સમાન હશે. ભારતીય ચલણ સાથે તેની અદલા-બદલી થઇ શકશે.
• ...તો શું ખિસ્સામાં રૂપિયા રાખવા નહીં પડે? ઇ-રૂપી બાદ લોકોએ ખિસ્સામાં રોકડ લઇને ફરવું નહીં પડે. તે પણ મોબાઇલ વોલેટની માફક કામ કરશે. તેને રાખવા માટે બેન્ક ખાતાની પણ અનિવાર્યતા નહીં રહે.
• તેના ફાયદા ક્યા? કેશલેસ પેમેન્ટ શક્ય બનશે. તેને રોકડ અને રોકડને ઇ-રૂપીમાં તબદીલ કરી શકાશે. અજાણી વ્યક્તિને જાણકારી શેર કરવાની ચિંતા નહીં રહે. ગોપનીયતા જળવાયેલી રહેશે. રોકડ પર નિર્ભરતા તેમજ ફિઝિકલ રૂપિયાને છાપવાનો ખર્ચ ઘટશે. કેશલેસ ઇકોનોમીને વેગ મળશે. લેણદેણનો ખર્ચ પણ અંકુશમાં રહેશે.
• તેની ખાસિયત કઇ? સામાન્ય નાગરિક, સંસ્થાઓ તેમજ સરકારી એજન્સીઓ ઉપયોગ કરી શકશે. તેને વ્યાવસાયિક બેન્ક સાથે એક્સચેન્જ કરી શકાશે.