મુંબઇ: ઉદ્યોગપતિ જે.પી. તાપરિયાના પરિવારના સભ્યોએ દેશનો સૌથી મોંઘો રેસિડેન્સિયલ પ્રોપર્ટી સોદો કર્યો છે. તેમણે લિસ્ટેડ રિઅલ એસ્ટેટ કંપની મેક્રોટેક ડેવલપર્સ પાસેથી મુંબઈના દરિયાકિનારે છ પ્રોપર્ટી ખરીદી છે. સોદો પ૨ 29 માર્ચ, 2023ના રોજ હસ્તાક્ષર થયા હતા.
તાપરિયા ફેમીકેર કંપનીના માલિક છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર દેશમાં કદાચ આ રહેંણાક પ્રોપર્ટીનો સૌથી મોંઘો સોદો છે. તમામ પ્રોપર્ટી મુંબઇના મલબાર હિલ ખાતે વાલકેશ્વર રોડ પર લોધા મલબારમાં આવેલી છે. રહેણાક પ્રોપર્ટીના યુનિટ 20 કાર પાર્કિંગ ધરાવે છે. તેમનો કુલ વિસ્તાર 27,160.6 ચોરસ ફૂટ છે. પ્રોપર્ટીના યુનિટ્સ 26, 27 અને 28મા માળે આવેલા છે. સોદા માટે રૂ. 369.55 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. તેના માટે રૂ. 19.07 કરોડની સ્ટેમ્પ ડયૂટી ભરવામાં આવી છે. બ્રોકર્સે જણાવ્યું હતું કે, ટ્રિપ્લેક્સ માટે ચૂકવાયેલા મૂલ્યને આધારે પ્રતિ ચોરસ ફૂટનો ભાવ લગભગ રૂ. 1.36 લાખ થાય છે અને દેશનો આ કદાચ સૌથી મોંઘી રહેણાક પ્રોપર્ટી સોદો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં પ્રોપર્ટીના ઘણા સોદા થયા છે. બજાજ ઓટોના ચેરમેન નીરજ બજાજે રૂ. 252.50 કરોડમાં લોધા મલબાર હિલ પ્રોજેક્ટના ટોચના ત્રણ માળ ખરીદ્યા છે. જેનો વિસ્તાર લગભગ 18,008 ચોરસ ફૂટ છે. તે શહેરનો સૌથી મોંઘો પેન્ટહાઉસ સોદો છે. સોદામાં પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1,40,277નો ભાવ ચૂકવાયો છે. એવન્યૂ સુપરમાર્કેટના સ્થાપક રાધાક્રિષ્ન દામાણીના પરિવારના સભ્યો અને રાધાક્રિષ્ન દામાણી એસોસિએટ્સ દ્વારા થોડા સમય પહેલાં રૂ. 1238 કરોડમાં મુંબઇ ખાતે 28 હાઉસિંગ યુનિટ્સની ખરીદી કરી હતી. જ્યારે વેલસ્પન જૂથના ચેરમેન બી.કે. ગોયન્કાએ 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રૂ. 230 કરોડમાં પેન્ટહાઉસનો સોદો કર્યો હતો.