ભારતમાં 70 વર્ષ બાદ પહેલી વાર ચિત્તાના શાવકોનો જનમ થયો છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલા ચિત્તામાંથી સિયાયા નામની એક માદાએ 29 માર્ચે ચાર શાવકોને જન્મ આપ્યો છે. આફ્રિકન ચિત્તાને ભારતનું વાતાવરણ માફક આવી ગયું હોવાની આ નિશાની છે. કૂનો નેશનલ પાર્કના મેનેજમેન્ટ અનુસાર સિયાયા અને નવજાત ચારે શાવકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. ભારતમાં 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ 1952માં આ પ્રજાતિને વિલુપ્ત જાહેર કરી દેવાઈ હતી. ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે નામિબિયાથી આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષે 18 ફેબ્રુઆરીએ 12 ચિત્તા કૂનોમાં લવાયા હતા. જેમાંથી એક માદાનું મૃત્યું થયું હતું. ચાર શાવકોના જન્મથી હવે ચિત્તાનો પરિવાર વધીને 23 થઈ ગયો છે.