નવી દિલ્હી: પ્રસ્તાવિત નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા સાત વર્ષે પનામા પેપર્સ કાંડનું ભૂત ફરી એક વાર ધૂણ્યું છે. કાળા નાણા છૂપાવવાનું સ્વર્ગ ગણાતાં મધ્ય અમેરિકી દેશ પનામાએ જાહેર કર્યું કે પનામા પેપર્સ લિક મામલે તપાસમાં તે ભારત સરકારની મદદ કરવા તૈયાર છે.
2016માં પત્રકારોના આંતરરાષ્ટ્રીય સંગઠને કરેલા પનામા પેપર્સના ખુલાસાએ ભારત સહિત અનેક દેશોમાં ખળભળાટ મચાવી દીધો હતો. ભારતના અનેક મોટા નામ આ કાંડમાં ઉછળ્યા હતા. ભારત સરકારે આ ખુલાસા બાદ એક તપાસ ટીમ ઘડી હતી. પનામા પેપર્સના ખુલાસામાં એવા લોકો, કંપનીઓના નામ સામે આવ્યા હતા જેમના ગુપ્ત વિદેશી બેંક ખાતાઓ અથવા કંપનીઓ હતી. ભારતના ઘણાં નામી અને બિઝનેસમેનના નામ ખુલાસામાં ચર્ચામાં આવ્યા હતા. પનામાના વિદેશ મંત્રી જૂનાઈમા તેવનેએ કહ્યું કે પનામા ભારતને માહિતી આપવા તૈયાર છે અને તે અંગે ભારતીય અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ભારતીય અધિકારીઓને નાણાકિય વ્યવસ્થામાં પારદર્શિતા અંગે માહિતી આપવામાં આવી છે.
કાળા નાણાં વિરુદ્ધ ભારત સરકારના પ્રયાસોના વખાણ કરતાં તેમણે ઉમેર્યું કે આ મામલે તેમણે પોતાના સમક્ષ વિદેશ મંત્રી એસ. જયશંકરને માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ભારતને પનામા પેપર્સ લીક અને પેરાડાઈઝ પેપ૨ લીક્માં કુલ 20,353 કરોડ રૂપિયાના કાળા નાણા અંગે માહિતી મળી હતી. મની આ લોન્ડિંગ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા એફએટીએફ એ પનામાને પોતાની મોનિટરિંગ યાદીમાં મૂક્યું છે.