નવી દિલ્હીઃ મોદી સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલને આખરે રાજ્યસભામાં સાત કલાકની ચર્ચા પછી સર્વસંમતિથી પસાર કરાયું છે. બિલની તરફેણમાં ૨૦૩ મત પડયા હતા જ્યારે વિરુદ્ધમાં એકેય મત પડયો નહોતો. કોંગ્રેસે પણ ગૃહમાં બિલની તરફેણમાં મતદાન કર્યું હતું, હવે લોકસભામાં તેને શિયાળુ સત્રમાં પસાર કરવાનું રહેશે. ભાજપ સરકારની ૧૮ મહિનાની અને અગાઉની સરકારો દ્વારા બિલ રજૂ કરાયાનાં ૧૦ વર્ષ પછી લાંબી કશ્મકશને અંતે આખરે જીએસટી બંધારણીય સુધારા બિલને રાજ્યસભામાં પાસ કરાયું હતું. જીએસટીના અમલથી ‘એક દેશ એક ટેક્સ’ની પદ્ધતિ અમલી બનશે.
રાજયસભામાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જીએસટી ખરડો રજૂ કરતાં કહ્યું હતું કે વર્ષ ૨૦૦૬માં સંસદમાં પહેલી વાર જીએસટી ખરડો રજૂ થયો હતો. તે પછી રાજ્યોના નાણાં પ્રધાનોની સમિતિએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. સિલેક્ટ કમિટિએ કેટલીક ભલામણોને સામેલ કરી હતી. જીએસટી અમલી બનતાં જ ભારત એકસમાન બજારમાં તબદીલ થઈ જશે.
જયલલિતાના એઆઇએડીએમકે દ્વારા આ બિલનો વિરોધ કરાયો હતો અને તેના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. જીએસટીના દર ૧૮થી ૨૨ ટકાની આસપાસ રખાય તેવી શક્યતા છે. જેટલીએ કહ્યું હતું કે આનાથી કરચોરી પકડવામાં આસાની રહેશે. જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યોને ટેક્સ, સેસ તેમજ સરચાર્જ અંગે સૂચનો કરશે. આનાથી દેશના કરમાળખામાં મોટો બદલાવ આવશે. દેશનો આર્થિક વિકાસ શક્ય બનશે. આ દેશ માટે અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક સુધારો છે. આનાથી દેશમાં આડકતરા વેરામાં સમાન દર લાગુ પડશે. બિલમાં વિવાદના ઉકેલ માટે રાજ્યોને વધુ સત્તા અપાઇ છે. આનાથી રાજ્યો વધુ સશક્ત બનશે અને કેન્દ્ર તેમજ રાજ્યોની આવકમાં વધારો થશે. આનાથી ટેક્સ પર કોઈ ટેક્સ નહીં લાગે.
કોંગ્રેસે બિલને ટેકો આપતાં એવી શરત રાખી છે કે, જીએસટીમાં ટેક્સના દરને માત્ર લોકસભા કે રાજ્યસભામાં જ મંજૂર ન કરાવાં જોઈએ, પણ સંસદનાં બંને ગૃહ દ્વારા જીએસટીના ટેક્સના દરને સમાન રીતે મંજૂરી મળવી જોઈએ. આ ઉપરાંત જીએસટીમાં ટેક્સનો દર ૧૮ ટકાથી વધારે નહીં રાખવા કોંગ્રેસના પી. ચિદમ્બરમે માગણી કરી છે.
કોંગ્રેસે ક્યારેય વિરોધ કર્યો નથીઃ ચિદમ્બરમ્
પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે્ ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે તેમને આ વાતની ખુશી થઈ કે નાણાં પ્રધાને એ વાતનો ઉલ્લેખ કર્યો કે યુપીએ શાસનમાં પહેલીવાર જીએસટી બિલ રજૂ થયું હતં. કોંગ્રેસે જીએસટીના વિચારનો ક્યારેય વિરોધ નથી કર્યો. વર્ષ ૨૦૧૪માં વિરોધ થયો ત્યારે પણ વિરોધ પક્ષનો સાથ લઈને ખરડો પસાર કરાવવા પૂરા પ્રયાસ કર્યા હતા. જોકે ખરડો પસાર થતાં ૧૧ વર્ષ વીતી ગયાં. તેમણે કહ્યું કે પૂર્વ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ જે જોગવાઈ મૂકી હતી તે સૌથી બહેતર હતી. જીએસટી દર કેટલો રહેશે તે બાબત જ ખરડાનો આત્મા છે. દરેક નાણાં પ્રધાન કરઆવક વધારવા પ્રયત્નશીલ રહે છે પણ આપણે ભૂલવું ન જોઈએ કે પરોક્ષ કર ગરીબ અને અમીર બંનેને સમાન રીતે સ્પર્શે છે.
જીએસટી અમલી બનતાં હાઇ વે પર જોવા મળતાં તમામ ઓક્ટ્રોય નાકા જોવા નહીં મળે. કેટલાક સમીક્ષકો કહે છે કે જીએસટી અમલી બનતાં મોંઘવારી વધશે. તે સંજોગોમાં જીએસટી બિલનો અમલ મોદી સરકારની પરીક્ષા કરી લેશે.
આઝાદી બાદનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ
જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તે એક એવો ટેક્સ છે જે રાષ્ટ્રીય સ્તરે કોઈ પણ માલ-સામાન, સેવાના મેન્યુફેક્ચરિંગ, વેચાણ અને ઉપયોગ પર લાગુ કરાય છે. આ સિસ્ટમ લાગુ થવાથી જકાત, સેલ્સ ટેક્સ, રાજ્યસ્તરે લાગુ થતાં સેલ્સ ટેક્સ અને વેટ, એન્ટ્રી ટેક્સ, લોટરી ટેક્સ, સ્ટેમ્પ ડ્યૂટી, ટેલિકોમ લાઈસન્સ ફી, ટર્નઓવર, વીજળીના ઉપયોગ અને વેચાણ પર લાગુ થનાર ટેક્સ, માલસામાનના ટ્રાન્સપોર્ટેશન પર લાગુ થનારા ટેક્સ રદ થઈ જશે.
હવે કેવું હશે દેશમાં ટેક્સનું માળખું?
હાલ રાજ્યો અને કેન્દ્ર સરકારોના મળી આશરે ૨૦ જેટલા જુદા જુદા ટેક્સ અમલમાં છે. જીએસટી લાગુ થતાં જ આ ઈનડાયરેક્ટ ટેક્સ રદ થઈ જશે અને ત્રણ પ્રકારના ટેક્સ લાગુ રહેશે. જેમ કે, સેન્ટ્રલ, સ્ટેટ અને ઈંટિગ્રેટેડ ટેક્સ. સેન્ટ્રલ ટેક્સ કેન્દ્ર સરકાર વસૂલ કરશે, સ્ટેટ જીએસટી ટેક્સ રાજ્ય સરકાર વસુલશે અને ઈન્ટિગ્રેટેડ જીએસટીને કેન્દ્ર અને રાજ્ય બંને વસૂલશે. એટલે કે જીએસટી કાયદો બની ગયા બાદ આ ત્રણ પ્રકારના જ ટેક્સ લાગુ રહેશે. અને ટેક્સનો દર ૧૭થી ૨૦ ટકા જેટલો જ રહી શકે છે. જીએસટી લાગુ થયા બાદ એક્સાઈઝ ટેક્સ, સર્વિસ ટેક્સ, વેટ, સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ અને લક્ઝરી વગેરે ટેક્સ રદ થઈ જશે.
જીએસટીથી ફાયદો શું થશે?
જીએસટી બિલ પસાર થતાં સામાન્ય લોકોમાં એક જ ચર્ચા છે કે તેનાથી ફાયદો શું થશે. આ સવાલનો સીધો જ જવાબ છે કે તેનાથી દરેક માલસામાન અને સેવાઓ પર માત્ર એક જ ટેક્સ લાગશે. તેનો અર્થ એવો પણ છે કે, વેટ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સની જગ્યાએ માત્ર એક જ ટેક્સ લાગુ થશે. સામાન્ય લોકો અને રાજ્યોને તેનો ફાયદો થશે. જાણકારોના મતે ટેક્સેશનની આ નવા સિસ્ટમના કારણે ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે અને પારદર્શિતા આવશે.
એક અંદાજ પ્રમાણે જીએસટી લાગુ થવાથી એકસપોર્ટ, રોજગાર અને આર્થિક વિકાસમાં જે વધારો થશે તેનાથી દેશને વર્ષે અબજો રૂપિયાની આવક થશે. નિષ્ણાતો માને છે કે આ ટેક્સ લાગુ થવાથી દેશના જીડીપીમાં બે ટકા જેટલો ઉછાળો આવશે જે ખરેખર સારી બાબત છે. જ્યારે એકસપોર્ટમાં ૩.૨થી ૬.૩ ટકા સુધી વધારો થઈ શકે. તો ઇમ્પોર્ટમાં ૨.૪થી ૪.૭ ટકા સુધીનો વધારો થઈ શકે છે.
જ્યારે કંપનીઓને એ ફાયદો થશે કે જીએસટીના દર ઓછા હોવાથી તેની ખપતમાં વધારો થશે. તેના દ્વારા કંપનીઓના નફામાં પણ વધારો થશે. તે ઉપરાંત કંપનીઓ પર ટેક્સની સરેરાશનો ભાર પણ ઓછો થશે. ટેક્સ માત્ર વેચાણના પોઇન્ટ પર લાગુ થવાથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો થશે. તેનાથી એક્સપોર્ટ માર્કેટમાં કંપનીઓની પ્રતિસ્પર્ધા ક્ષમતામાં વધારો થશે.
જીએસટીની તવારીખઃ વિચારથી મંજૂરી સુધી
• ૨૦૦૦ઃ વાજપેયી સરકારે પહેલી વખત સમિતિ રચી
• ૨૦૦૪ઃ કેલકર ટાસ્ક ફોર્સે જીએસટીનો અનુરોધ કર્યો
• ૨૦૦૬ઃ યુપીએ સરકારના નાણાં પ્રધાન ચિદમ્બરમે એપ્રિલ ૨૦૧૦માં તેને અમલમાં મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
કેન્દ્ર અને રાજ્યની ટેક્સની આવકમાં ભાગીદારીનો અભિગમ રજૂ કરાયો.
• ૨૦૧૦ઃ તત્કાલીન નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ એપ્રિલ ૨૦૧૧થી તેના અમલની જાહેરાત કરી.
જોકે યુપીએ સરકાર ટેક્સસુધારા લાગુ કરવામાં નિષ્ફળ રહી.
• ૨૦૧૧ઃ ૧૧૫મો બંધારણીય સુધારા ખરડો રજૂ કરાયો. ખરડો સ્ટેન્ડિંગ કમિટીને મોકલાયો
• ૨૦૧૩ઃ સંસદમાં સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ રજૂ કરાયો. યુપીએ સરકાર ફરી બિલ મંજૂર કરાવવામાં નિષ્ફળ. ગુજરાત સહિત ભાજપના રાજ્યોનો વિરોધ.
• ૨૦૧૪ઃ સત્તામાં આવ્યા પછી ભાજપે અમલ માટે પ્રયાસ શરૂ કર્યા. ૧૨૨મો બંધારણીય સુધારો રજૂ કરાયો. કોંગ્રેસની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માગ.
• ૨૦૧૫ઃ નાણાં પ્રધાન જેટલી દ્વારા એપ્રિલ ૨૦૧૬થી અમલની જાહેરાત. સૂચિત સુધારા ન થાય ત્યાં સુધી સમર્થન આપવા કોંગ્રેસનો ઇન્કાર.
• ૨૦૧૬ઃ કોંગ્રેસ સહિતના બહુમતી પક્ષોના સમર્થન સાથે જીએસટી બિલ રાજ્યસભામાં પસાર.