ઇ-વિઝા સુવિધાનો પ્રારંભ કરતાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, અમે દેશમાં મોટા પાયે પ્રવાસ-પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. અત્યારે પ્રવાસન ક્ષેત્રનો જીડીપીમાં ફાળો સાત ટકા જેટલો છે અને અમે તેને વધારીને બમણો કરવા ઇચ્છીએ છીએ. હવે આ દેશોના પ્રવાસીઓ આસાનીથી ઇ-વિઝા મેળવી શકશે. આ માટે તેમણે નક્કી કરેલી વેબસાઇટ પર જઈને ઇ-વિઝા માટે અરજી કરવાની રહેશે અને માત્ર ૭૨ જ કલાકમાં ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) પ્રાપ્ત કરી શકશે. અત્યારે પ્રથમ તબક્કામાં આ સુવિધા ૪૩ દેશના પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.
પ્રક્રિયા કેવી હશે?
• વિઝા મેળવવા ઓનલાઇન પોર્ટલ www.indianvisaonline.gov.in પર જવું.
• જમણી બાજુ ટુરિસ્ટ વિઝા ઓન એરાઇવલ સેકશન છે.
• ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને પછી ત્યાં જણાવ્યા અનુસાર ફી ચૂકવો.
• ટુરિસ્ટને એક ઇમેલ મળશે, જે ૩૦ દિવસ સુધી માન્ય હશે.
કયા દેશના પ્રવાસીને લાભ?
પ્રથમ તબક્કામાં અમેરિકા, જર્મની અને ઇઝરાયલ ઉપરાંત રશિયા, યુક્રેન, બ્રાઝિલ, યુએઇ, જોર્ડન, કેન્યા, ફિજી, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, સિંગાપોર, મોરેશિયસ, મેક્સિકો, નોર્વે, ઓમાન અને ફિલિપાઇન્સ જેવા દેશોન સામેલ કરાયા છે.
આ સુવિધા નવ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અપાશે જે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકતા, હૈદરાબાદ, બેંગાલૂરુ, કોચી, થિરુવનંતપુરમ્ અને ગોવા છે.