ભારતમાં ૮૮ ટકા વરસાદઃ હવામાન ખાતાની આગાહી
નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની રહે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે કરેલી આગાહી પ્રમાણે અલ નિનોની અસરના કારણે આ વખતે સરેરાશ ૮૮ ટકા વરસાદ પડશે. ગયા એપ્રિલમાં હવામાન ખાતાએ ૯૩ ટકા વરસાદની આગાહી કરી હતી. જેના સરખામણીમાં સુધારેલો અંદાજ નીચો છે.
કેરળમાં શુક્રવારથી મેઘરાજાનું સત્તાવાર આગમન થઇ ગયું છે, જે હવામાન ખાતાની આગાહીની સરખામણીમાં ચાર દિવસ મોડું છે. ભારતીય હવામાન ખાતાના લોંગ રેન્જ ફોરકાસ્ટના વડા ડીએસ પાઇએ જણાવ્યું હતું કે, ૨૦૧૫માં દેશ માટે વરસાદની ઘટ રહેવાનો અમારો પ્રાથમિક અંદાજ છે. કૃષિ ક્ષેત્ર માટે નિર્ણાયક ગણાતા જુલાઈ-ઓગસ્ટ મહિનામાં વરસાદમાં અનુક્રમે આઠ ટકા તથા ૧૦ ટકાની ઘટ રહેવાની શકયતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં નબળા ચોમાસાની સૌથી વધારે અસર જોવાશે. જે સમગ્ર સિઝનમાં ૧૫ ટકા હશે. ૨૦૧૪માં પણ દેશમાં સામાન્ય વરસાદના સરેરાશ ૮૮ ટકા વરસાદ પડ્યો હતો. પાઇએ જણાવ્યું હતું કે, આંકડાકીય તેમ જ અન્ય તમામ મોડેલ નિર્દેશ આપે છે કે આ સિઝનમાં વરસાદની અછત રહેશે.
જોકે, ખાનગી હવામાન કંપની સ્કાયમેટ વેધર સર્વિસીસે જણાવ્યું હતું કે, તેઓ લોન્ગ પિરિયડ એવરેજ ૧૦૨ ટકા વરસાદની તેમની આગાહીને વળગી રહે છે. જૂનથી સપ્ટેમ્બરના મહિના દરમિયાન ભારતમાં સરેરાશ વરસાદ થશે. સ્કાયમેટના સીઈઓ જતીન સિંહે જણાવ્યું હતું કે આ વર્ષે અમે ચોમાસું સામાન્ય રહેવાની અપેક્ષા રાખીએ છીએ. અમારા મતે જૂન અને જુલાઈમાં સારો વરસાદ પડશે. હવામાન ખાતાની કચેરીએ જણાવ્યું હતું કે, ૨૦૧૫ના ચોમાસા દરમિયાન દેશમાં વરસાદ અપૂરતો રહેવાની શક્યતા છે. જથ્થાની દૃષ્ટિએ જોતાં લાંબા ગાળાની સરેરાશના ૮૮ ટકા વરસાદ થવાની શક્યતા છે.