નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રે શાનદાર પ્રદર્શનથી ચીનને માત આપી છે. સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો ખિતાબ જાળવી રાખતા ભારતે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.6 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. દેશનો આર્થિક વૃદ્ધિદર ગત વર્ષના 6.2 ટકાથી વધીને ચાલુ વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.6 ટકા નોંધાયો છે. બીજી તરફ, ચીનનો જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન આર્થિક વૃદ્ધિદર ઘટીને 4.9 ટકા રહ્યો હતો. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) અનુસાર કૃષિ ક્ષેત્રમાં 1.2 ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો હતો, જે જુલાઇ-સપ્ટેમ્બર 2022-23ના ક્વાર્ટર દરમિયાન 2.5 ટકા રહ્યો હતો.
દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરે પણ મજબૂત પ્રદર્શન જાળવી રાખતાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન 13.9 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે. જેમાં ગત વર્ષે 3.8 ટકાનો ઘટાડો થયો હતો. વર્ષ 2023-24ના એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન દેશનો આર્થિક વૃદ્ધિદર 7.7 ટકા રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 9.5 ટકા રહ્યો હતો.