મુંબઇઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જૂથના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ ઉદ્યોગપતિ કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે બુધવારે મુંબઈમાં નિધન થયું. પાંચ દસકામાં ભારતીય ઓટો ઉદ્યોગનું સ્વરૂપ બદલનારા મહિન્દ્રા હંમેશા કહેતાઃ અશક્ય કામ શક્ય બનાવવા હંમેશા મોટાં સપનાં જુઓ...
અમેરિકામાંથી ગ્રેજ્યુએશન કરનારા કેશબ મહિન્દ્રા ખેડૂત કે સૈનિક બનવા ઈચ્છતા હતા. 1947માં તેમણે મહિન્દ્રા જૂથનું સુકાન સંભાળ્યું અને 1963માં ચેરમેન બન્યા. 2012માં તેમણે કાર્યભાર ભત્રીજા આનંદ મહિન્દ્રાને સોંપ્યો. તેઓ ટાટા સ્ટીલ, સેઇલ, ઈન્ડિયન હોટેલ્સ જેવી કંપનીના બોર્ડમાં પણ હતા. તેઓ પરોપકારી પણ એટલા જ હતા. ‘ફોર્બ્સ’એ હાલમાં રૂ. 9,850 કરોડની સંપત્તિ સાથે તેમને દેશના સૌથી પ્રતિષ્ઠિત બિલિયોનેરનું બિરુદ આપ્યું હતું. 1987માં તેમને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું હતું.
જાણીતા ‘વ્હોર્ટન’ મેગેઝિનને ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘હું યુવાનો - મારા બાળકોને કહું છું કે, અશક્યને શક્ય કરવા સપનાં જુઓ કારણ કે, અશક્ય કામ શક્ય બનાવવા માટે જ હોય છે. ફક્ત સાહસિકોમાં જ જીવન બદલવા ક્ષમતા હોય છે.’ તેમના નિર્ણયોમાં પણ આવો ઉત્સાહ અને આક્રમકતા દેખાતા.
પિતા કૈલાશચંદ્ર મહિન્દ્રા અને કાકા જગદીશચંદ્ર મહિન્દ્રાના વારસાને આગળ ધપાવવા તેઓ 1947માં મહિન્દ્રા જૂથમાં જોડાયા. ત્યારે ટેન્કના પાર્ટ્સ બનાવવા બ્રિટન સહિત વિવિધ દેશો પર નિર્ભર રહેવું પડતું. પછી તેમની આગેવાનીમાં મહિન્દ્રાએ જીપનું નિર્માણ ડુ ઈટ યોરસેલ્ફ સ્તરે શરૂ કર્યું. એ વખતે સપ્લાયરો પણ ન હતા છતાં એન્જિન, ટ્રાન્સમિશનથી માંડીને તમામ પાર્ટ્સ સ્થાનિક સ્તરે તૈયાર કરી વર્ષમાં 20 હજાર જીપ બનતી હતી.