નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (RBI) છેલ્લા કેટલાક વર્ષોથી મોટાપાયે સોનાની ખરીદી કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં રિઝર્વ બેંકે સોનાની ખરીદીના મામલે ઘણા મોટા દેશોને પાછળ છોડી દીધા છે. ચીન એકમાત્ર દેશ એવો છે જે સોનાની ખરીદીમાં ભારત કરતાં આગળ છે. વિશ્વમાં આર્થિક અને ભૌગોલિક રાજકીય ઉથલપાથલના કારણે ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
રિઝર્વ બેન્કે છેલ્લા પાંચ વર્ષમાં 244 ટન સોનાની ખરીદી કરી છે. જ્યારે 2024ના અંતિમ ત્રિમાસીકમાં ભારતે ચીનને પાછળ રાખ્યું છે. જાન્યુઆરી 2025માં 2.83 ટન સોનાની ખરીદી કરી હતી. છેલ્લા 5 વર્ષમાં ભારતે સોનું ખરીદવામાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન જેવા દેશોને પાછળ રાખ્યા છે. આ સમયગાળામાં માત્ર ચીન જ ભારત કરતાં વધુ સોનું ખરીદવામાં સફળ રહ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ RBIએ 2020થી 2024 સુધીમાં 244 ટન સોનું ખરીદ્યું છે. જ્યારે આ સમયમાં ચીને 336 ટન સોનું ખરીદ કર્યું છે. ભારતે હજુ પણ સોનાની ખરીદી ચાલુ રાખી છે. જ્યારે વિશ્વના અન્ય દેશોએ ખરીદી ધીમી કરી છે.
ચીનને 2024ના અંતિમ ક્વાર્ટરમાં પાછળ છોડ્યું
વર્ષ 2024ના છેલ્લા ક્વાર્ટરમાં ભારતે સોનું ખરીદવામાં ચીનને પાછળ છોડી દીધું છે. ભારતે આ ક્વાર્ટરમાં 22.54 ટન સોનું ખરીદ્યું છે. જ્યારે ચીને 15.24 ટન સોનું ખરીદ્યું છે. સિંગાપોરે તેના ગોલ્ડ રિઝર્વમાં 7.65 ટનનો ઘટાડો કર્યો છે. પોલેન્ડે આ ક્વાર્ટરમાં સૌથી વધુ 28.53 ટન ખરીદ્યું છે.
રિઝર્વ બેન્ક આ વર્ષેય જંગી ખરીદી કરશે
વર્ષ 2025માં પણ રિઝર્વ બેંક સોનાની ઝડપી ખરીદી કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં રિઝર્વ બેંક 2.83 ટન સોનું ખરીદ્યું હતું. આ ખરીદી સાથેરિઝર્વ બેંક પાસે ગોલ્ડ રિઝર્વ વધીને સરેરાશ 879 ટન થઈ ગયું છે. જોકે આમાં ફેબ્રુઆરીના આંકડા સામેલ નથી. સોનાને હંમેશા મુશ્કેલી નિવારક માનવામાં આવે છે.