લંડનઃ બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં વધતાં કોરોના સંકટથી ભારે ચિંતામાં છે. ભારતમાં પોતાના અસરગ્રસ્ત પરિવારોની શક્ય મદદ કરવા કેટલાક વિદ્યાર્થીઓના જૂથે હાલ તેમની ફી નહિ લેવા યુનિવર્સિટીને વિનંતી કરી છે. આ ફી માફ કરવાની વિનંતી નથી પરંતુ, વર્તમાન સંજોગોમાં તે મોકૂફ રાખવાની અપીલ છે. ભારતીય વિદ્યાર્થીઓનું સંગઠન કાર્ડિફ મેટ પણ મદદ માટે આગળ આવ્યું છે.આ ઉપરાંત, ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકાયાથી નવી ટર્મમાં ભણવાના મુદ્દે પણ ભારતમાં રહેલા વિદ્યાર્થીઓને ચિંતા છે.
બ્રિટનમાં અભ્યાસરત ભારતીય વિદ્યાર્થીઓને ચિંતા એ બાબતની છે કે હાલ ભારતમાં બધું બંધ છે ત્યારે પરિવાર ફીના નાણાં કેવી રીતે મોકલી શકશે? કોરોનાગ્રસ્ત પરિવારો માટે તો સ્થિતિ વધુ વિકટ છે. ઘણા વિદ્યાર્થીઓના ઘરના મોભીના મોતથી આવકનો સ્રોત બંધ થઈ ગયો હોવાથી નિઃસહાયતા અનુભવે છે. આથી વિદ્યાર્થીઓના જૂથે તેમની પાસેથી હાલ ફી નહિ લેવા યુનિવર્સિટીને વિનંતી કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હાલ ફીની રકમો માફ કરાય તો તેઓ ભારતસ્થિત પરિવારજનોની મદદ કરી શકશે.
વેલ્સમાં ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન કાર્ડિફ મેટે કહ્યું કે તે મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવી રહ્યું છે અને તેમના પરિવારોને મદદ કરશે. હાલ ફી નહિ લેવા બાબતે કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સતત સહાય જારી રાખવાની હૈયાધારણ આપી છે.
‘ટ્રાવેલ રેડ લિસ્ટ’ની પણ અસર
બીજી તરફ, યુકેમાં અએભ્યાસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓ પણ ભારતને ‘ટ્રાવેલ રેડ લિસ્ટ’ મૂકાયાથી ચિંતિત છે. બ્રિટિશ યુનિવર્સિટીઓમાં કેમ્પસ સ્ટડીનો પુનઃ આરંભ કરાવાની તૈયારી પૂરજોશમાં છે અને મે મહિનામાં નવી ટર્મ પણ શરુ થવાની છે. આ સંજોગોમાં યુકે દ્વારા ભારતને રેડ લિસ્ટમાં મૂકાતા ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધારે અસર થઇ છે.
નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન યુકે (NISAU-UK)ના જણાવ્યા અનુસાર યુકેમાં રહેવાના માન્ય માર્ગ થકી વિદ્યાર્થીઓ પાસે યુકેમાં આવતી વખતે બાયોમેટ્રિક રેસીડેન્સ પરમિટ ન હોય તો પણ તેઓ પ્રવેશ મેળવી શકશે તેવી બાંયધરી ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ તરફથી અપાઈ છે. NISAU-UK દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાત ક્વોરેન્ટાઇનમાં રાહતની પણ વિનંતી કરાઈ છે. કેટલીક યુનિવર્સિટીઓએ પણ આવા વિદેશી વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પર જ ક્વોરેન્ટાઇન પ્રોસેસમાં સહાયની તત્પરતા દર્શાવી છે. યુનિવર્સિટીઝ યુકે ઇન્ટરનેશનલે જણાવ્યું છે કે યુનિવર્સિટીઓમાં હોસ્ટેલ-રહેઠાણની વ્યવસ્થા હોય ત્યાં ક્વોરેન્ટાઈન પ્રોસેસ થઈ શકે તેના તરફ ધ્યાન અપાવું જોઈએ.