લંડનઃ કોરોના મહામારીના હાહાકાર વચ્ચે પણ ભારતના વિદ્યાર્થીઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા ધસારો કર્યો છે. મહામારી અગાઉનાં વર્ષમાં ૭,૬૪૦ ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જ્યારે ચાલુ વર્ષે ૯,૯૩૦ અરજી થઈ છે. નવા ગ્રેજ્યુએટ રુટનો લાભ લેવા ભારતીય વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે. હાયર એજ્યુકેશન એપ્લિકેશન સિસ્ટમના ડેટાના આધારે ગયા વર્ષ કરતાં ભારતના ૩૦ ટકા વધુ વિદ્યાર્થીઓએ બ્રિટનમાં આવીને અભ્યાસ કરવા માટે અરજી કરી હોવાનો દાવો કરાયો છે.
ભારત આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માટે યુકેના રેડ લિસ્ટમાં હોવાથી માન્ય વિઝા સાથેના કોઈ પણ વિદ્યાર્થીએ યુકેમાં આવ્યા પછી સરકાર માન્ય હોટેલમાં ૧૦ દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે છે. જોકે, યુકે આવતા તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને NHS દ્વારા નિઃશુલ્ક કોવિડ-૧૯ વેક્સિન આપવામાં આવનાર છે.
નવા શૈક્ષણિક વર્ષ માટે જૂન ૩૦ સુધી અરજીઓની સમયમર્યાદા સુધીના ગાળા માટે યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન્સ સર્વિસ (UCAS)ના વિશ્લેષણ અનુસાર ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. મહામારીને ધ્યાનમાં રાખીને હોમ ઓફિસે નવા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની અરજીઓ પછી વિદ્યાર્થીઓને બ્રિટનમાં હાજર થવાની સમયમર્યાદા સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી લંબાવી આપી છે. જે વિદ્યાર્થીઓ આ વર્ષના ઉત્તરાર્ધ અને આગામી વર્ષની શરુઆતમાં તેમના કોર્સીસ શરુ કરવાના હશે તેમણે આગામી વર્ષની ૬ એપ્રિલ સુધીમાં યુકેમાં હાજર થવાનું રહેશે. નવા ગ્રેજ્યુએટ રુટના લીધે વિદ્યાર્થીઓ યુકેમાં ડીગ્રી મેળવ્યા પછી તેમના અભ્યાસક્રમના આધારે બે- ત્રણ વર્ષ સુધી નોકરી કરવા માટે યુકેમાં રહી શકશે.
દેશની ૧૪૦થી વધુ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતી યુનિવર્સિટીઝ યુકે ઈન્ટરનેશનલ (UUKi) ના ડાયરેક્ટર વિવિયન સ્ટર્ને જણાવ્યું હતું કે ‘આ વર્ષે યુનિવર્સિટીઓએ ભારે ધીરજ દર્શાવી છે. ભારતીય વિદ્યાર્થીઓ યુકેમાં ઉચ્ચ અભ્યાસનું આયોજન ધરાવે છે તે પ્રોત્સાહક બાબત છે. અમે વિદ્યાર્થીઓની સલામતીનું ધ્યાન રાખીને નવા સત્રનો પ્રારંભ કરીશું. યુકેમાં મહામારીના લીધે બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમ હજુ પાટા પર ચડી ન હોવાં છતાં વિદેશી વિદ્યાર્થીઓએ ભરોસો મૂક્યો હોવાથી યુનિવર્સિટીઓ પણ તેમને નિરાશ નહિ કરે.’