નવી દિલ્હી: ભારતીય શેરબજારે માર્કેટકેપના મામલે હરણફાળ ભરી છે. મુંબઇ શેરબજાર (બીએસઈ) માર્કેટ કેપ રેકોર્ડ 333.29 લાખ કરોડ ડોલરની સપાટીએ સ્પર્શી છે અને એક્સચેન્જ રેટ રૂ. 83.31ને ગણતરીમાં લેતા ભારતીય શેરબજારનું મૂલ્ય પ્રથમવાર 4 ટ્રીલિયન ડોલર નોંધાયું છે. ભારત વૈશ્વિક સ્તરે ચોથો દેશ બન્યો છે, જેનાં શેરબજારનું માર્કેટ કેપ 4 ટ્રીલિયન ડોલર નોંધાયું હોય. અમેરિકા 48 ટ્રીલિયન ડોલર સાથે સૌથી મોખરે રહ્યું છે. ત્યારબાદ ચીનનું 9.7 ટ્રીલિયન ડોલર અને જાપાનનું 6 ટ્રીલિયન ડોલર રહ્યું છે. હોંગકોંગ શેરબજારની ગણના ચીનમાં જ થતી હોવાથી તેને અલગથી ધ્યાનમાં લેવામાં આવ્યું નથી.
જોકે વિશ્વના તમામ દેશોનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન 107 ટ્રીલિયન ડોલર થાય છે ત્યારે ભારતીય શેરબજાર હજી વિશ્વના કુલ માર્કેટ કેપમાં 5 ટકા પણ હિસ્સો ધરાવતા નહીં હોવાનું કહી શકાય. ભારતનું શેરબજાર પ્રથમવાર 1 ટ્રીલિયન ડોલર 28 મે, 2007નાં રોજ થયું હતું. ત્યાંથી 4 ટ્રીલિયન ડોલરની સપાટીએ પહોંચવામાં 16 વર્ષનો સમય લાગ્યો છે.
ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં વર્ષ 2023માં 15 ટકાનો ઊછાળો નોંધાયો છે તો એપ્રિલ 2023થી 27 ટકા વધ્યું છે, જેની સામે 2023ના પ્રારંભથી અત્યાર સુધી ચીનનું માર્કેટ કેપ 5 ટકા ઘટ્યું છે. અમેરિકાનું માર્કેટ કેપ 17 ટકાના સ્તરે વધ્યું છે, જે ભારત કરતાં વધુ છે.
મિડ કેપ અને સ્મોલ કેપનો દબદબો
ભારતીય શેરબજારની મૂડીમાં થયેલા વધારા પાછળ મિડ અને સ્મોલ કેપ કંપનીઓના મૂલ્યમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત નવા આઇપીઓનું લિસ્ટિંગ પણ ઉલ્લેખનીય ગણાય. ટોચની 100 કંપનીઓને બાદ કરતાં મિડ અને સ્મોલ કેપનો હિસ્સો હાલ કુલ માર્કેટ કેપમાં પહેલી એપ્રિલ 2023થી ધ્યાનમાં લઇએ તો 35 ટકાથી વધીને 40 ટકા થયો છે.
એપ્રિલ 2023થી ટોચની 100 કંપનીઓ જેની ગણના લાર્જ કેપમાં થાય છે તેવી કંપનીઓનું માર્કેટ કેપ 17 ટકા વધીને 195 ટ્રીલિયન પહોંચ્યું છે તો પ્રથમ 100 પછીની કંપનીઓનું માર્કેટ કેપ46 ટકા વધીને 133 ટ્રીલિયન થયું છે.
ભારતની વધુ કંપનીઓનો વૈશ્વિક ઇન્ડેક્સમાં સમાવિષ્ઠ થવાની વેઇટેજમાં વધારો થયો છે. આને કારણે ભવિષ્યમાં એફપીઆઇનું રોકાણ વધવાની આશા છે. હાલ એફપીઆઇનું રોકાણ 16.6 ટકાનું એક દશકાની સૌથી નીચલી સપાટીએ રહેવા સામે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો વધ્યો છે.
હાલમાં જ ગોલ્ડમેન સાશ, જેપી મોર્ગન, મોર્ગન સ્ટેન્લી અને સીએલએસએ જેવી વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બ્રોકરેજીસે ભારતના જીડીપી ગ્રોથ માટેના અંદાજ સુધારીને ઊંચા મૂક્યા છે. આને કારણે પણ ભવિષ્યમાં ભારતીય મજબૂત ફન્ડામેન્ટલ ધરાવતી કંપનીઓ વિદેશી રોકાણકારોના રડારમાં રહેશે.