શ્રીહરિકોટાઃ ઇસરોએ સોમવારે આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેનાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી ૨૩મી મેએ સવારે ૭ કલાકે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત સ્પેસશટલની ટેસ્ટ ફ્લાઇટનું સફળ પરીક્ષણ હાથ ધર્યું હતું. RLV-TD (રિયુઝેબલ લોન્ચ વિહિકલ-ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર)નાં સફળ પરીક્ષણ સાથે ભારતે સ્પેસશટલ યુગમાં હરણફાળ ભરી છે.
સ્પેસ સેન્ટર ખાતેનાં લોન્ચ પેડ પરથી સોમવારે સવારે ૭ કલાકે HS9 રોકેટ બુસ્ટરમાં અંતરિક્ષમાં રવાના થયું હતું. ૫૬ કિલોમીટરની ઊંચાઈએ RLV-TD બુસ્ટરથી અલગ થઇ ગયું હતું. અહીંથી તે ૭૦ કિમીની પૃથ્વીની બાહ્ય ભ્રમણકક્ષાની ઊંચાઇએ પહોંચી આપોઆપ પરત ફર્યું હતું. RLV-TDએ શ્રીહરિકોટાથી ૫૦૦ કિમી દૂર બંગાળની ખાડીમાં તૈયાર કરાયેલા વર્ચ્યુઅલ રનવે પર સફળતાથી ઉતરાણ કર્યું હતું. ટેસ્ટફ્લાઇટ બાદ ઇસરોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇસરોએ ભારતના પહેલા સ્પેસશટલની ટેસ્ટફ્લાઇટનું સફળ પરીક્ષણ કર્યું છે. પૃથ્વીનાં વાતાવરણમાં પરત ફરતી વખતે અત્યંત ઊંચાં તાપમાનનો સફળતાથી સામનો કરી RLV-TDએ ૭૭૦ સેકન્ડમાં મિશન પૂરું કરી નિર્ધારિત સ્થળે લેન્ડિંગ કર્યું હતું.
અંતરિક્ષમાં ઉપગ્રહની સ્થાપના
ઇસરોના ઇજનેરોએ જણાવ્યું હતું કે, અંતરિક્ષમાં ઉપગ્રહ સ્થાપિત કરવાનો ખર્ચ ઘટાડવામાં રિયુઝેબલ રોકેટ ઘણા ફાયદાકારક હોય છે. આ ટેક્નોલોજીની મદદથી અંતરિક્ષમાં મોકલાતા પે-લોડનો ખર્ચ ૨,૦૦૦ ડોલર પ્રતિ કિલો ઘટી જશે. આ પ્રકારનાં સ્પેસશટલમાં માનવીને અંતરિક્ષમાં મોકલી શકાશે.
ભારત પાંચમા ક્રમે
આ પ્રકારના રિયુઝેબલ સ્પેસશટલ બનાવનાર દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને જાપાનનો સમાવેશ થાય છે, હવે પોતાના પ્રોટોટાઇપ સ્પેસશટલનાં સફળ પરીક્ષણથી ભારત પણ ક્લબમાં જોડાઇ ગયો છે અને પાંચમા ક્રમે છે.
હજુ ચીને આ દિશામાં શરૂઆત કરી નથી અત્યારે આ પ્રકારનાં સ્પેસશટલ કોઇ દેશ ઉપયોગમાં લેતો નથી.