ભારતીયોએ ઊંચા ભાવનો લાભ લેવા ઘરમાં પડેલું 34 ટન સોનું વેંચ્યુ

Tuesday 09th May 2023 10:10 EDT
 
 

અમદાવાદ: ભારતમાં જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન કુલ 154 ટન સોનાની આયાત થઇ છે, જે આગલા વર્ષ કરતાં ચાર ટકા વધારે છે. જોકે, સોનાના ભાવ ઊંચા રહેતા ભારતમાં જૂનું સોનું વેચી વેચી રોકડ ઉભી કરવાની વૃત્તિમાં વધારો જોવા મળ્યો હતો. આ ત્રણ મહિનામાં ભારતીયોએ ઘરમાં પડેલાં 34.8 ટન સોનાનું બજારમાં વેચાણ કર્યું હતું. છેલ્લા અઢી વર્ષમાં જૂનું સોનું વેચવાનું આ સૌથી ઊંચું પ્રમાણ છે. દેશમાં સોનાની કુલ માંગ સામે ત્રીજો ભાગ ઘરમાં પડેલા જૂના સોનામાંથી આવ્યો છે.
વૈશ્વિક સ્તરે જૂના સોનાનું વેચાણ કરવાની વૃત્તિ પાંચ ટકા વધી હતી અને આ રીતે કુલ 310 ટન સોનું બજારમાં આવ્યું છે. ભારતમાં ગત વર્ષની સરખામણીએ ત્રણ મહિનામાં 25 ટકા વધારે જૂનું સોનું બજારમાં આવ્યું છે.
આ અંગે કાઉન્સિલ જણાવે છે કે ભારતમાં સોનાની બજાર ભાવની સાથે સંવેદનશીલ છે એટલે દર વખતે ઊંચા ભાવે સોનાનું વેચાણ જોવા મળે છે. આ ઉપરાંત, ફાઇનાન્સ કંપનીઓએ પણ સોના સામે ધિરાણ મેળવીને લોન નહીં પરત કરનાર લોકોનું જપ્ત કરેલું સોનું ઊંચા ભાવે વેચવાની તક ઝડપી લીધી છે.
ઘરેણાની માંગ અઢી વર્ષમાં સૌથી ઓછી
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પ્રકાશિત કરેલા સોનાના માંગ અને પુરવઠાના ત્રિમાસિક અહેવાલ અનુસાર ભારતમાં સોનાની કુલ માંગ 17 ટકા જેટલી ઘટીને 112.5 ટન રહી છે. કાઉન્સિલના અંદાજ અનુસાર ઊંચા ભાવના કારણે તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં મોંઘવારીની અસરથી એકંદરે માંગ ઘટી છે અને ત્યારે સોનાના ભાવ તેના ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ છે ત્યારે માંગ હજુ પણ નબળી કે નરમ રહે તેવી શક્યતા છે.
ભારત ખાતેના કાઉન્સિલના વડા સોમસુંદર પી. આરે જણાવ્યું હતું કે વર્ષ 2010 પછી ચોથી વખત એક જ ક્વાર્ટરમાં ભારતમાં ઘરેણાની માંગ 100 ટન કરતા નીચે રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter