નવીદિલ્હીઃ બેંક ઓફ ઇટાલીના વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરાયેલા નવા અંદાજ અનુસાર સમગ્ર વિશ્વના ટેક્સહેવન દેશોમં ૬થી ૭ ટ્રિલનય ડોલરનાં કાળા નાણાં સંતાડી રખાયાં છે. તેમની એક ગણતરી પ્રમાણે વૈશ્વિક કાળા નાણામાં ભારતીયોનો હિસ્સો ૧૫૨થી ૧૮૧ અબજ ડોલર હોઈ શકે છે. આ કાળું નાણું ફક્ત શેર, ડેબ્ટ સિક્યુરિટીઝ અને બેંકોની થાપણો તરીકે જ ટેક્સહેવન દેશોમાં ધરબાયેલું પડ્યું છે. રિયલ એસ્ટેટ, સોનું અને કલાકૃતિઓ જેવી સ્થાવર સંપત્તિમાં કરાયેલાં નાળા નાણાંનો અંદાજ કાઢવો ઘણો મુશ્કેલ છે. અગાઉ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને ટેક્સ જસ્ટિસ નેટવર્ક જેવી સંસ્થાઓ દ્વારા પણ વૈશ્વિક કાળા નાણાંનો અંદાજ રજૂ કરાયો હતો.
ભારતીયોના કાળા નાણાં અંગે સંશોધકોએ સાવચેતીપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારના અંદાજ માટેના બે માર્ગ હોઈ શકે છે. પહેલો માર્ગ, વૈશ્વિક કાળા નાણામાં ભારતીયોનો હિસ્સો વૈશ્વિક જીડીપીમાં ભારતનાં યોગદાન જેટલો હોઈ શકે છે. ૨૦૧૩માં વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સે ૨.૫ ટકા હતો જે અંદાજિત ૧૫૨થી ૧૮૧ અબજ ડોલર એટલે કે રૂ. ૮.૯થી ૧૦.૫ લાખ કરોડ છે. બીજો માર્ગ એ છે કે જાહેર નહીં કરાયેલી વૈશ્વિક સંપત્તિમાં ભારતનો હિસ્સો ૦.૦૭ ટકા છે. તેથી આ પ્રકારની કાળી સંપત્તિમાં ભારતીયોનો હિસ્સો ૪થી ૫ અબજ ડોલર એટલે કે રૂ. ૨૫થી ૩૦ હજાર કરોડ થવા જાય છે.