નવી દિલ્હી: નાણાવર્ષ 2023-24 માટેના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ બજેટ 12.95 ટકા વૃદ્ધિ સાથે 5.25 લાખ કરોડથી 5.94 લાખ કરોડ રૂપિયા કરાયું છે. સૈન્ય નવા ફાઈટર જેટ્સ, સબમરીન્સ અને ટેન્ક્સ સહિત અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ્સ ડેવલપ કરી શકે કે ખરીદી શકે તે માટે સંરક્ષણ બજેટમાં વધારો કરાયો છે. સંરક્ષણ ખર્ચમાં મૂડીખર્ચ માટેનું બજેટ અંદાજે 10 હજાર કરોડની વૃદ્ધિ સાથે 1.62 લાખ કરોડ રૂપિયા કરાયું છે જ્યારે સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટેનું બજેટ પણ 1.52 લાખ કરોડથી વધારીને 1.62 લાખ કરોડ રૂપિયા કરાયું છે. તેમાંથી મોટાભાગનું બજેટ કેન્દ્ર સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ અંતર્ગત ઘરેલુ ઉત્પાદકો પાસેથી વેપન્સ સિસ્ટમ્સ અને ઇક્વિપમેન્ટ્સના સંપાદન પાછળ ખર્ચાશે. જોકે, આધુનિકીકરણ બજેટમાં વધારો માત્ર 6.5 ટકા છે. ગત વર્ષે બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 5.25 લાખ કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. તેમાંથી સૌથી વધુ 1.90 લાખ કરોડ રૂપિયા સૈન્ય માટે ફાળવાયા હતા.
હવે આધુનિકીકરણ શક્ય બનશે
ડિફેન્સ બજેટમાંથી 1.20 લાખ કરોડ રૂ. 33 લાખથી વધુ ભૂતપૂર્વ સૈનિકોના પેન્શન પાછળ વપરાઇ જતી હોવાથી સશસ્ત્ર દળોના આધુનિકીકરણ માટે પૂરતી રકમ નહોતી બચતી. સૈન્ય પાસે હજુ મોડર્ન ઇન્ફન્ટ્રી વેપન્સ, હેલિકોપ્ટર્સ, ડ્રોન, હોવિત્ઝર્સ, એન્ટિ-ટેન્ક મિસાઇલ્સ સહિત ઘણા શસ્ત્રસરંજામની અછત છે. સાથે જ લેફટનન્ટ કર્નલ અને તેનાથી નીચેની ફાઇટિંગ રેન્કના અધિકારીઓની પણ અછત છે. તેનું કારણ એ છે કે સેલરી-પેન્શન પાછળ ખર્ચ વધવાને કારણે સૈન્યના આધુનિકીકરણ માટે ઘણી ઓછી રકમ બચે છે.
પેન્શન માટે 3 વર્ષમાં સૌથી વધુ બજેટ
સૈન્યના પેન્શન બજેટમાં 19 હજાર કરોડ રૂપિયાનો વધારો કરાયો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. ગત વર્ષે પેન્શન બજેટ 1.19 લાખ કરોડ રૂપિયા હતું, જે વધારીને 1.38 લાખ કરોડ રૂપિયા કરાયું છે. 2022ના સંરક્ષણ બજેટમાં પણ પેન્શન માટે 4,000 કરોડ રૂપિયા વધુ ફાળવાયા હતા. સૈન્યની ત્રણેય પાંખના કુલ ભૂતપૂર્વ સૈનિકોની સંખ્યા અંદાજે 26 લાખ છે.