નવી દિલ્હીઃ ભારતના શસ્ત્રાગારમાં એક મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થઈ રહી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ છદ્મ સેટેલાઈટનું કામ કરી શકે તેવું એક સોલર પ્લેન વિકસાવ્યું છે, જે સતત 90 દિવસ સુધી ઊડી શકે છે અને તેનું એક નાનકડું સંસ્કરણ સતત 10 કલાક સફળતાપૂર્વક ઊડી ચૂક્યું છે. હાઈ એલ્ટિટ્યૂડ પ્લેટફોર્મ (HAP) નામના આ વિમાનને નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (NAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. HAP એક સોલર ઊર્જાથી ચાલતું ઓટોમેટિક માનવરહિત વિમાન છે જે સ્ટ્રેટોસ્ફેરિક સ્તર પર ઉડ્ડયન કરે છે અને મહિનાઓ સુધી ટકી રહેવાની સાથોસાથ 17-20 કિલોમીટરની ઊંચાઈ પર દિવસ-રાત સંચાલન કરવા માટે સક્ષમ છે. HAPને હાઇ-એલ્ટિટ્યૂડ સ્યૂડો સેટેલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે.