નવી દિલ્હીઃ 85 સોવરેન વેલ્થ ફંડ અને 57 સેન્ટ્રલ બેંકના સર્વે અનુસાર રોકાણ માટે સૌથી આકર્ષક વિકાસશીલ બજારની દૃષ્ટિએ ભારતે ચીનને પાછળ ધકેલી દીધું છે. આ વેલ્થ ફંડ અને બેંક કુલ 21 લાખ કરોડ ડોલરની એસેટને રિપ્રેઝેન્ટ કરે છે.
ઇન્વેસ્કો ગ્લોબલ સોવરેન એસેટ મેનેજમેન્ટ સ્ટડી નામના ઇન્વેસ્કોના તાજેતરમાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતને તેના સારા વેપાર, રાજકીય સ્થિરતા, અનુકૂળ વસ્તી, રેગ્યુલેટરી પહેલ તથા સોવેરિયન રોકાણકારો માટે મૈત્રીભર્યા વાતાવરણ માટે સકારાત્મક રીતે જોવામાં આવે છે. આ અહેવાલમાં 142 ચીફ ઇનવેસ્ટમેન્ટ ઓફિસર્સ (સીઆઇઓ)ના વિચારોને સામેલ કરવામાં આવ્યા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઇમર્જિંગ માર્કેટ ડેટમાં રોકાણ માટે ભારત ચીનને પાછળ ધકેલીને સૌથી આકર્ષક ઇમર્જિંગ માર્કેટ બની ગયું છે. મિડલ ઇસ્ટ સ્થિત એક ડેવલપમેન્ટ સોવરેન ફંડે જણાવ્યું હતું કે અમારું ચીન અને ભારતમાં વધારે એક્સપોઝર નથી. જોકે ભારત હવે બિઝનેસ અને રાજકીય સ્થિરતાની દૃષ્ટિએ એક સારી જગ્યા છે. ભારત પાસે રસપ્રદ કંપનીઓ, સારી રેગ્યુલેશન પહેલ અને સોવરેન ઈન્વેસ્ટર્સ માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ છે.