બેંગલોર, ચેન્નાઇઃ આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં તામિલાનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા નિર્દોષ છૂટ્યા છે. સ્પેશ્યિલ કોર્ટનો ચુકાદો કર્ણાટક હાઇ કોર્ટે રદ કર્યો છે. તેની સાથે જ ૧૯ વર્ષ જૂનો ભ્રષ્ટાચારનો તે કેસનો અંત આવ્યો છે, જે તેમની ઓળખ બની ગયો હતો. ૧૯૯૧માં તમિલનાડુના મુખ્ય પ્રધાન બનતા જ પાંચ વર્ષમાં રૂ. ૬૬ કરોડની સંપત્તિ ઊભી કરવાનો કેસ થયો હતો. આ દરમિયાન તેઓ મહિને માત્ર એક રૂપિયો પગાર લેતાં હતાં.
સોમવારે હાઇ કોર્ટ જજે આવતાં જ ૧૦ સેકન્ડમાં ચુકાદો સંભળાવ્યો હતો. આખી કાર્યવાહી માત્ર ચાર મિનિટમાં જ પૂર્ણ થઈ હતી. હવે જયા પાંચમી વાર તમિલનાડુનાં મુખ્ય પ્રધાન બનશે. ચર્ચા છે કે તેઓ ૧૬કે ૧૭ તારીખે હોદ્દાના શપથ લેશે. મુખ્ય પ્રધાન પન્નીરસેલ્વે તો જયાને મળીને રાજીનામાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. સ્પેશ્યિલ કોર્ટે ગત વર્ષે ૨૭ સપ્ટેમ્બરે જયાને ચાર વર્ષની જેલ અને રૂ. ૧૦૦ કરોડના દંડની સજા ફટકારી હતી. તે બાદ તેમનું ધારાસભ્યપદ રદ થયું હતું. હવે ચુકાદો આવતા જ જયાએ કહ્યું હતું કે આ ધર્મનો વિજય છે. હું સાચું સોનું બનીને નીકળી છું. જયા સાથે શશિકલા, તેમના સંબંધી વગેર પણ મુક્ત થઈ ગયા હતા.