મક્કા-વેટિકનથી વધુ પ્રવાસીઓ રામના દર્શને આવશેઃ અયોધ્યાનો પર્યટન ઉદ્યોગ ધમધમશે

Wednesday 31st January 2024 04:34 EST
 
 

નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે. દેશ જ નહીં, પણ વિશ્વભરમાં આ ભવ્ય આયોજનની ઝલક જોવા મળી હતી. રામમંદિરનું ઉદઘાટન એકતરફ લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે ત્યારે બીજી તરફ તે લાંબા ગાળાના આર્થિક પ્રભાવ પણ પેદા કરશે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝે તેના એક ખાસ રિપોર્ટમાં જણાવ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર વાર્ષિક પાંચ કરોડથી વધારે પ્રવાસીઓને આકર્ષિત કરીને ભારતની પર્યટન ક્ષમતાને એક નવા સ્તરની ઊંચાઈ પર લઈ જવાનો માર્ગ તૈયાર કરી શકે છે.
આ રિપોર્ટમાં જેફરીઝે જણાવ્યું હતું કે રામમંદિરના કારણે અયોધ્યા અધ્યાત્મ ટૂરિઝમના મોરચે મક્કા અને વેટિકન સિટીને પણ પાછળ છોડી દેશે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં અયોધ્યા એક નવું હોટ સ્પોટ બનશે જ્યાં દર વર્ષે પાંચ કરોડ ટૂરિસ્ટ આવશે, કે જે મક્કા અને વેટિકન સિટીના વાર્ષિક ટૂરિસ્ટોની સંયુક્ત સંખ્યા ત્રણ કરોડ કરતાં ઘણી વધારે છે.
જેફરીઝના રિપોર્ટનું કહેવું છે કે નવું એરપોર્ટ, રેલવે સ્ટેશન, ટાઉનશિપ અને રોડ કનેક્ટિવિટી વધારવા પર 10 બિલિયન યુએસ ડોલર એટલે કે 85,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે સમગ્ર અયોધ્યાની કાયાપલટ થશે. તેની અસર એ હશે કે આ શહેરમાં નવી હોટેલ્સ ખૂલશે અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં પણ વધારો થશે. આ ઉપરાંત તે ટૂરિઝમ માટે ઈન્ફા ડ્રાઈવનું ઉત્તમ ઉદાહરણ પણ બનશે.
રિપોર્ટ અનુસાર આ મંદિર ઉત્તર પ્રદેશની સ્થિતિને મજબૂતી આપશે અને પર્યટનમાં વધી રહેલાં વિદેશી રોકાણને સહાયક પણ બનશે. જેફરીઝના રિપોર્ટ અનુસાર અયોધ્યાના મેકઓવરને પગલે ઉત્તર પ્રદેશ સરકારની કરની આવક રૂ. 25,000 કરોડ સુધી પહોંચી જાય તેમ મનાય છે. આગામી દિવસોમાં પ્રવાસીની સંખ્યા વધશે એ નક્કી છે.
તિરુપતિ કરતાં બમણા યાત્રાળુ
હાલમાં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં દર વર્ષે ત્રણથી સાડા ત્રણ કરોડ પ્રવાસીઓ દર્શન કરવા આવે છે જ્યારે દક્ષિણના સુપ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજીમાં વર્ષે અઢીથી ત્રણ કરોડ લોકો આવે છે અને તેની આવક 1200 કરોડ રૂપિયા છે. જોકે હવે અયોધ્યામાં વધારે સારા માળખા અને વધુ સારી કનેક્ટિવિટી સાથે રામમંદિર એક નવું ધાર્મિક પર્યટન કેન્દ્ર બની જશે અને પાંચથી 10 કરોડ લોકો અયોધ્યાની મુલાકાત કરે તેવી સંભાવના છે.
ઉત્તર પ્રદેશનું અર્થતંત્ર નોર્વેને ઓળંગી જશે
એસબીઆઈ રિસર્ચે એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ અને પર્યટનને વધારવા માટે લેવાયેલા અન્ય પગલાંઓથી નાણાકીય વર્ષ 2025માં રાજ્ય માટે 20,000થી 25,000 કરોડ રૂપિયાની વધારાની કમાણી થવાની અપેક્ષા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લેવાયેલા પગલાઓને કારણે વર્ષના અંત સુધીમાં રાજ્યમાં પ્રવાસી ખર્ચ રૂ. 4 લાખ કરોડથી ઉપર પહોંચી શકે છે. 2022માં સ્થાનિક પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશમાં 2.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જ્યારે વિદેશી પ્રવાસીઓએ 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 2022માં રેકોર્ડ 2.21 કરોડ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા. જ્યારે 2022માં યુપીમાં 32 કરોડ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા હતા, જે 2021ની સરખામણીમાં લગભગ 200 ટકા વધુ છે. ઉત્તર પ્રદેશની જીડીપી નોર્વેથી પણ આગળ નીકળી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter