મનીલોન્ડરિંગમાં છગન ભુજબળની ધરપકડ

Tuesday 15th March 2016 15:02 EDT
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ છગન ભુજબળ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંદર્ભે સોમવારે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી) સમક્ષ તેમના વકીલ સાથે હાજર થયા હતા. ૧૧ કલાકની મેરેથોન પૂછપરછ બાદ મોડી રાત્રે ઈડી દ્વારા છગન ભુજબળની ધરપકડ કરાઈ હતી. આ પહેલાં ભુજબળના ભત્રીજા સમીરની ઇડી ધરપકડ કરી ચૂકી છે અને તે કસ્ટડીમાં જ છે જ્યારે પુત્ર પંકજની પણ ઇડીએ પૂછપરછ કર્યા બાદ તેનો પાસપોર્ટ જપ્ત કર્યો છે. છગન ભુજબળની ધરપકડ બાદ એનસીપીના નેતાઓએ આ ધરપકડને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી.

ભુજબળની ધરપકડ બાદ એનસીપીના સમર્થકોએ ભારે ઊહાપોહ મચાવ્યો હતો. એનસીપીના અન્ય નેતા અજિત પવાર પણ સિંચાઈ પ્રકરણ કેસમાં નાગપુરમાં પૂછપરછ માટે હાજર થયા હતા. ભુજબળ ફેમિલી બાદ હવે પવાર અને તટકરે તેમ જ અન્યોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ગયા સપ્તાહે ઇડીએ છગન ભુજબળને ૧૪ માર્ચે હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. ઇડી તેમની સામે મની લોન્ડરિંગ કેસની તપાસ પણ કરી રહી છે.

કોન્ટ્રાક્ટ, કટકી અને કાળા નાણાં 

૧૭ જૂન ૨૦૧૫માં ઇડીએ પીએમએલએ મની લોન્ડરિંગના ગુના બદલ હેઠળ છગન ભુજબળ અને તેમના પુત્ર તથા ભત્રીજા સામે બે એફઆઇઆર નોંધાવી હતી. છગન ભુજબળ ૨૦૦૬માં ડેપ્યુટી સીએમ અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન હતા ત્યારે તેમણે ત્રણ પ્રોજેક્ટ માટે રૂ. ૧૦૦ કરોડથી વધારે રકમના કોન્ટ્રેક્ટ ગેરકાયદે પાસ કર્યા હતા. આ કોન્ટ્રેક્ટ દિલ્હીમાં મહારાષ્ટ્ર સદન બાંધવા મેસર્સ ચમનકર ડેવલપર્સને અપાવ્યો હતો. તેમણે અંધેરીમાં નવી આરટીઓ ઇમારત બાંધવા અને મલબાર હિલમાં સરકારી ગેસ્ટ હાઉસ બાંધવા માટે પણ કોન્ટ્રેક્ટ આપ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ કોન્ટ્રેક્ટ નિયમોને નેવે મૂકી અપાયા હતા અને તેના બદલામાં ભુજબળની કંપનીઓમાં અને તેમના ટ્રસ્ટોમાં કોન્ટ્રેક્ટ મેળવનારાઓ દ્વારા કટકીઓ જમા કરાવવામાં આવી હતી.

ઇડીએ આક્ષેપ કર્યો છે કે ભુજબળ પરિવારે મોટા પ્રમાણમાં કાળાં નાણાં સફેદ કરવાનો કારસો કર્યો હતો પણ તે હજી હકીકતો રજૂ કરી રહ્યા નથી. આ કૌભાંડને કારણે રાજ્યની તિજોરીને ૮૭૦ કરોડ રૂપિયાનો ફટકો પડયો હતો. ઇડીએ આક્ષેપ કર્યો હતો કે ભુજબળની ઘણી કંપનીઓના હિસાબમાં એવી લેવડદેવડ કરવામાં આવી છે જેનો હિસાબ મળતો નથી. ઇડીને શંકા છે કે આ લેવડદેવડ ભુજબળે મેળવેલી કટકીઓ હોવાની પૂરી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter