બેંગ્લૂરુઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના ગવર્નર પદેથી વિદાય લઇ રહેલા રઘુરામ રાજનનું કહેવું છે કે મારી અવગણના ન કરો... હું હજી આરબીઆઈના ગવર્નર તરીકે ચાલુ છું. આમ કહીને તેમણે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.
બુધવારે ‘એસોચેસ’ના એક કાર્યક્રમને સંબોધતા રઘુરામ રાજને કહ્યું હતું કે, ‘છેલ્લા થોડાક દિવસોમાં મને વિદાય આપતા અનેકલેખ મેં વાંચ્યા છે, પણ મને કહેવા દો કે હું હજી આરબીઆઈનાં ગવર્નર તરીકે ચાલુ જ છું. મારો અઢી મહિનાનો કાર્યકાળ બાકી છે. આરબીઆઈને છોડ્યા પછી પણ હું દુનિયામાં કોઈ પણ સ્થળે તો રહેવાનો જ છું. એવું પણ બને કે હું મારો મહત્તમ સમય ભારતમાં પણ ગાળું. આથી મારી અવગણના ન કરો.’ આમ કહીને રાજને સુબ્રમણ્યન્ સ્વામી તેમજ તેમનાં અન્ય ટીકાકારોને કટાક્ષમાં જવાબ આપ્યા હતા. જોકે રાજને તેમની સ્પીચમાં એક પણ વખત સ્વામીનું નામ લીધું ન હતું.
રાજને કહ્યું હતું કે લોકો પાસે બે વિકલ્પો સાથે ન હોઈ શકે. એક તરફ તમે મોંઘવારીને કાબૂમાં રાખવા માગો છો અને બીજી તરફ પોલિસી રેટમાં ઘટાડો ઇચ્છો છો. ઝડપથી વધી રહેલી મોંઘવારીને કારણે ગરીબ પિસાઈ રહ્યો છે અને મધ્યમ વર્ગ તેની બચતો ઝડપથી ગુમાવી રહ્યો છે. સરકારી બેંકોની નબળાઈને કારણે બેંકોની ધિરાણ ક્ષમતા ઘટી છે, વ્યાજનાં ઊંચા દરોને કારણે નહીં.