શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની સરકારે તાજેતરમાં જ જેલ મુક્ત કરેલા અલગાવવાદી નેતા મસરત આલમે તેનો અસલી રંગ બતાવ્યો છે. મસરત આલમની આગેવાનીમાં શ્રીનગરમાં ૧૫ એપ્રિલે હુરિયત કોન્ફરન્સના અલગાવવાદી નેતા સૈયદઅલી શાહ ગિલાનીનું સ્વાગત કરવા એક રેલીનું આયોજન થયું હતું. જેમાં વિરોધપ્રદર્શન કરી રહેલાં ૧૦થી વધુ લોકોના હાથમાં પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ હતો. મસરત આલમનાં નેતૃત્વમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો લહેરાવા સાથે ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન... મેરી જાન, મેરી જાન..., હાફીઝ સઇદ કા ક્યા પૈગામ... કાશ્મીર બનેગા પાકિસ્તાન, પાકિસ્તાન...' જેવાં નારા લગાવ્યા હતાં. થોડા સમય અગાઉ અલગાવવાદી નેતા આસિયા અંદરીબીએ પણ એક સભામાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવતાં વિવાદ થયો હતો.
ભાજપે આ ઘટના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના નેતા સંજય કૌલે જણાવ્યું હતું કે, પાર્ટી, આ ઘટના અંગે ચૂપ બેસી નહીં રહે. બીજી તરફ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, આ ઘટના ભારતની અખંડિતતા પર પ્રહાર સમાન છે.