પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભના સમાપનના બીજા દિવસે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સફાઈ કર્મચારીઓ, પોલીસ અને નાવિકોનું સન્માન કર્યું હતું. આ સાથે મહાકુંભે ત્રણ મહારેકોર્ડ સર્જ્યા હતા, જેના માટે ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાયું હતું. ગિનીસ બુકની ટીમે પ્રયાગરાજ મહાકુંભના નામે સર્જાયેલા આ રેકોર્ડ્સના સર્ટિફિકેટ યોગી સરકારને સોંપ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે ગુરુવારે તેના એક્સ હેન્ડલ પર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ટીમ તરફથી સોંપાયેલા ત્રણ સર્ટિફિકેટની તસવીર શેર કરી હતી, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમના હાથમાં વિશ્વવિક્રમના સર્ટિફિકેટ સાથે જોવા મળ્યા હતા. સીએમઓએ એક્સ પર લખ્યું, ‘45 દિવસ ચાલેલા લોક આસ્થાના મહાપર્વ મહાકુંભમાં પહેલો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ગંગાની સફાઈનો નોંધાયો છે. ગંગામાં 329 સ્થળો પર એક સાથે સફાઈ કરવાનો રેકોર્ડ નોંધાયો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 250 સ્થળ પર એક સાથે અડધા કલાકમાં સફાઈનું લક્ષ્ય હતું, પરંતુ 329 સ્થળો પર એક સાથે ગંગા સફાઈ અભિયાન ચાલ્યું, જે વર્લ્ડ રેકોર્ડ છે.’
બીજો વર્લ્ડ રેકોર્ડ હેન્ડ પેઈન્ટિંગનો છે, જેમાં 10102 લોકોએ એક સાથે પેઈન્ટિંગ કરી છે. આ પેઈન્ટિંગ લોકો દ્વારા એક સામૂહિક પ્રયાસ હતો. આ પહેલાં આ રેકોર્ડ 7660 લોકોનો હતો. આ સિવાય મહાકુંભમાં ઝાડુ લગાવવાના અભિયાને નવું સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. મહાકુંભમાં 19,000 લોકોએ એક સાથે ઝાડુ લગાવીને મેળા ક્ષેત્રની સફાઈ કરી હતી, જે નવો વિશ્વ વિક્રમ છે. આ પહેલાં 10000 લોકોએ એક સાથે સફાઈ કરી હતી.