મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી જંગઃ હવે શનિવાર પર સહુ કોઇની નજર

Thursday 21st November 2024 06:10 EST
 
 

નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને ઝારખંડમાં બીજા તબક્કાની ચૂંટણી માટે સોમવારે પ્રચારના પડઘમ શાંત થઈ ગયાં હતાં. આ બન્ને રાજ્યોમાં બુધવાર - 20મી નવેમ્બરે મતદાન થશે, અને શનિવાર 23 નવેમ્બરે પરિણામ જાહેર થવાનું છે.
ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો માટેનું મતદાન ગત 13 નવેમ્બરે થઇ ચુક્યું છે. મહારાષ્ટ્રની 288 બેઠકો માટે એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન યોજાશે. બન્ને રાજ્યમાં ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરી દેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે કુલ 4139 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 2086 સ્વતંત્ર ઉમેદવારો છે. જોકે આ વર્ષે પાછલા બે વર્ષમાં શિવસેના અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભાગલા પડવાથી પોલિટિકલ લેન્ડસ્કેપ વધુ ખંડિત છે. સત્તારૂઢ મહાયુતિ ગઠબંધનમાંથી ભાજપે 149 ઉમેદવાર, મુખ્યપ્રધાન શિંદેની શિવસેનાએ 81 ઉમેદવાર તથા ડેપ્યુટી સીએમ અજીત પવારના પક્ષે 59 ઉમેદવાર મેદાનમાં ઊતાર્યા છે. વિપક્ષ ગઠબંધનમાં કોંગ્રેસે 101 ઉમેદવાર ઊભા રાખ્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 95 ઉમેદવાર અને શરદ પવારના પક્ષે 86 ઉમેદવારને મેદાનમાં ઊતાર્યા છે.
બીજી તરફ ઝારખંડમાં 38 બેઠકો માટે યોજાનારા બીજા તબક્કાના મતદાનમાં 528 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે.
હેમંત સોરેન વિરુદ્ધ ભાજપના બાબુલાલ મરાંડી અને અમર બૌરી તથા સુદેશ મહતો જેવા ઉમેદવારો છે. ચૂંટણીમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ‘ઈન્ડિયા’ ગઠબંધનના તેના સાથી પક્ષો કોંગ્રેસ અને આરજેડીની મદદથી ફરી એકવાર સત્તા હાંસલ કરવા પ્રયત્નશીલ છે.
મહારાષ્ટ્રનો જંગ જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના ટોચના નેતાઓ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ અને જેપી નડ્ડા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter