મુંબઇઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને ‘અનઅપેક્ષિત’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે પરિણામોનું વિસ્તૃત વિશ્લેષણ કરીશું. જોકે રાજ્યમાં મતદાતા ભાઇઓ અને બહેનોનો હું તેમના સમર્થન બદલ તેમજ કાર્યકરોનો તેમના અથાગ પરિશ્રમ બદલ આભાર વ્યક્ત કરું છું.
જોકે બીજી બાજુ તેમણે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામોની પ્રશંસા કરી હતી. ગાંધીએ કહ્યું હતું કે રાજ્યમાં ઇન્ડિયા ગઠબંધનનો વિજય જળ, જંગલ, જમીનની સાથે સાથે બંધારણના રક્ષણનો વિજય છે.
મહારાષ્ટ્રમાં પસંદગીની બેઠકો પર ઈવીએમ હેક કરાયાઃ કોંગ્રેસના દાવો
મહારષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયા પછી ફરી એક વખત પક્ષે દેશભરમાં ઈવીએમ પર સવાલ ઊઠાવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેરા અને જયરામ રમેશે મહારાષ્ટ્રના પરિણામોને અવિશ્વસનીય ગણાવતા ઈવીએમમાં ગડબડનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે દેશમાં ઈવીએમથી ચૂંટણી લડાશે ત્યાં સુધી ન્યાયી અને નિષ્પક્ષ મતદાનની કોઈ શક્યતા નથી.
બીજી બાજુ કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર રાવે રવિવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં પસંદગીની બેઠકો પર ઈવીએમ હેક કરાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશે ઈવીએમ મુદ્દે સવાલ ઉઠાવ્યા પછી સમગ્ર દેશમાં કોંગ્રેસ નેતાઓએ ઈવીએમ સામે સવાલ ઉઠાવ્યા છે.