મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં હવે ચારથી વધુ ગુજરાતીઓ સત્તાપક્ષમાં જોવા મળશે. સામાન્ય રીતે ગુજરાતીઓની વસ્તી મુંબઈમાં વધારે હોવાથી મહાનગરમાંથી તમામ રાજકીય પક્ષો ગુજરાતી ભાષીઓને ટિકીટ આપતા રહ્યા છે. પરંતુ, આ વખતે મૂળે ગુજરાતી એવા એક મહિલા ઉમેદવાર મુંબઈની બહાર નાસિકમાંથી પણ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત ભાજપમાંથી ગુજરાત સરકારના બે મંત્રીઓને પ્રભારી તરીકે નિમવામા આવ્યા હતા તેવી 16માંથી 14 બેઠકો ઉપર ભાજપને જીત મળી છે. શનિવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં મુંબઈ મહાનગરના અંધેરી વેસ્ટમાં મહાયુતિના ભાગે આવેલી બેઠક પર મૂળ ભાજપના પરંતુ શિંદે સેનાના ઉમેદવાર એવા મૂળજી પટેલ ઉપરાંત મુલંડમાંથી મહિર કોટેચા અને ચારકોપથી યોગેશ સાગરનો ભાજપમાંથી વિજય થયો છે. આ
ઉપરાંત નાસિકથી ચૂંટાયેલા દેવયાની પટેલ (ફરન્ડે) પણ મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.
બે મહિના પહેલાથી ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત સરકારના બે મંત્રીઓને જવાબદારી સોંપી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને વિદર્ભના અમરાવતી જિલ્લામાં આઠ બેઠકોના પ્રભારી બનાવ્યા હતા. જ્યાંથી ભાજપે પહેલી વાર સાત બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. તે જ રીતે મુંબઈ શહેરમાં ચૂંટણી પ્રભારી રહેલા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને સોંપાયેલી આઠ પૈકી સાત બેઠકોમાં વિજય થયો છે.