જમ્મુઃ પીડીપીઅધ્યક્ષા મહેબૂબા મુફ્તીએ સોમવારે સવારે ૧૧ કલાકે રાજભવન ખાતે ૨૨ પ્રધાનો સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે મહેબૂબા મુફ્તી ભારતના ૧૬મા અને જમ્મુ-કાશ્મીરના સૌપ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બન્યાં છે. રાજ્યપાલ એન. એન. વોરા દ્વારા મહેબૂબા મુફ્તીનાં નેતૃત્વમાં રચાયેલી પીડીપી-ભાજપ ગઠબંધન સરકારના ૨૧ પ્રધાનોએ પણ શપથ લીધા હતા. અગાઉની ગઠબંધન સરકાર કરતાં આ વખતે ભાજપના વધુ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કાળાં વસ્ત્રોમાં સજ્જ મહેબૂબા મુફ્તીએ ઉર્દૂમાં શપથ લીધા હતા. મુફ્તી બાદ ભાજપના વિધાનસભા પક્ષના નેતા ડો. નિર્મલસિંહે નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, કેન્દ્રીય પ્રધાનો વેંકૈયા નાયડુ અને જિતેન્દ્રસિંહ સહિતના વીઆઈપી હાજર રહ્યા હતા, જોકે નારાજ મનાતા પીડીપીસાંસદ તારિક હમીદ કાર્રા અને કોંગ્રેસે શપથગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. નવી સરકારમાં પીડીપીના ૧૨ અને ભાજપના ૧૧ પ્રધાનોનો સમાવેશ કરાયો છે.