માયાવતીને ‘વેશ્યા’ કહેતા સાંસદો રોષે ભરાયાઃ મોદી સરકારે સંસદમાં માફી માગી

Thursday 21st July 2016 08:15 EDT
 
 

નવી દિલ્હી: ગુજરાતના ઉનામાં મરેલા ઢોરની ચામડી ઉતારવા જેવી નજીવી બાબતમાં દલિત યુવકો અને વૃદ્ધને વાહન સાથે બાંધીને ક્રૂરતાપૂર્વક લાઠીઓ અને પટ્ટાઓ વડે મારવાની ઘટનાની અસર રાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. ગુજરાતમાં બંધ પાળવામાં આવ્યો જ્યારે સતત ત્રીજા દિવસે પણ સંસદમાં આ મામલે વિપક્ષોએ એક થઈને કેન્દ્રની મોદી સરકારને ભીંસમાં લીધી હતી. લોકસભામાં વિપક્ષના સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને ભાજપ, આરએસએસ દલિતમુક્ત ભારત ઈચ્છે છે, દલિતો પર અત્યાચાર બંધ કરોના નારા લગાવ્યા હતા. એક તરફ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર મામલે મોદી સરકાર અને ભાજપ ભીંસમાં છે ત્યારે વધુ એક વિવાદ જાગ્યો છે. ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશના ભાજપના ઉપપ્રમુખ દયાશંકર સિંહે બસપાના સુપ્રીમો માયાવતી અંગે અતિ નિમ્નકક્ષાના શબ્દો વાપરતા તેમની ભારે ટીકા થઈ રહી છે.

દયાશંકરે માયાવતીને વેશ્યા સાથે સરખાવ્યા હતા, જેને પગલે શરમજનક સ્થિતિમાં મુકાયેલી ભાજપ દયાશંકરને તાત્કાલિક ઉત્તર પ્રદેશના ઉપપ્રમુખ પદેથી હટાવી દીધા હતા. કોંગ્રેસના સાંસદ કે. સુરેશે શૂન્યકાળ દરમિયાન ગુજરાતમાં દલિતો પર અત્યાચારનો મામલો ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો, તેમને દરેક વિપક્ષી પાર્ટીઓએ સાથ આપ્યો હતો. સુરેશે જણાવ્યું હતું કે ઉનામાં દલિતો પર જે ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજાર્યો તે અમાનવીય છે. આ અત્યાચાર રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ) અને ભાજપ દ્વારા ગુજારવામાં આવ્યો હતો. હિંસા એ આરએસએસના એજન્ડામાં છે, ગુજરાતમાં આ પ્રકારની હિંસા ભડકાવી ભાજપ અને આરએસએસ જાતિ-જાતિ વચ્ચે ફાંટા પાડવા માગે છે કે જેથી તેને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થાય. કોંગ્રેસે લોકસભામાં સવાલ કર્યો કે શું આ જ છે મોદીનું ગુજરાત મોડલ?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter