નવી દિલ્હી: બિહારના સીતાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો પોતાનો કોઈ પરિવાર નથી. મારો કોઇ વારસદાર નથી. તમે મારો પરિવાર છો, તમે મારા વારસદાર પણ છો. જેમ કુટુંબના વડા તેના વારસદાર માટે રાત-દિવસ કામ કરે છે, તેવી જ રીતે હું તમારા પરિવારનો સેવક બનીને કામ કરું છું. તમે મારા વારસદાર છો. હું તમારી સાથે કંઈક છોડવા માંગુ છું. હું તમારા વિસ્તારનો વિકાસ કરવા માંગુ છું. વડાપ્રધાને આમ કહીને અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર એ દાવો ફગાવી દીધો હતો કે અમિત શાહ તેમના અનુગામી તરીકે વડાપ્રધાન પદ સંભાળશે. ઉલ્લેખનીય છે કે ‘આપ’ નેતા કેજરીવાલ જાહેર સભામાં સતત કહી રહ્યા છે કે ભાજપની નીતિ અનુસાર નરેન્દ્ર મોદી તેમના 75મા જન્મદિને વડાપ્રધાન પદ છોડી દેશે અને તેમના અનુગામી તરીકે અમિત શાહને સત્તાના સૂત્રો સોંપી દેશે. ગૃહપ્રધાન અમિત શાહ અને પક્ષપ્રમુખ જે.પી. નડ્ડા સહિતના ભાજપના ટોચના નેતાઓ તો કેજરીવાલના દાવાને ભારપૂર્વક નકારતા જ રહ્યા છે, પરંતુ હવે મોદીએ પણ આવી કોઇ શક્યતાનો ઇન્કાર કર્યો છે.