શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં માનવતાની મહેક પ્રસરાવતી એક ઘટના તાજેતરમાં બની છે. દક્ષિણ કાશ્મીરમાં આવેલા કુલગામમાં માલવાનના નિવાસી ૮૪ વર્ષીય જાનકીનાથનું ૩૦મી જાન્યુઆરીએ મૃત્યુ થયું. આ કાશ્મીરી પંડિતનો પરિવાર વર્ષો પહેલાં જ તેને છોડીને ચાલ્યો ગયો હતો તેથી સ્થાનિક મુસલમાનોએ મૃતકના અંતિમ સંસ્કારની સંપૂર્ણ જવાબદારી માથે ઉપાડી લીધી હતી. જાનકીનાથના અવસાનનો કોઈ સ્વજન ગુજરી ગયું હોય તેમ ગામમાં શોક પાળવામાં આવ્યો હતો. જાનકીનાથ નાદુરુસ્ત હતા ત્યારે પડોશી મુસલમાનોએ જ તેમની સારસંભાળ રાખી હતી.
માલવાનની આશરે ૫,૦૦૦ મુસ્લિમોની વસતી વચ્ચે જાનકીનાથ પોતાના સમુદાયના એકમાત્ર માણસ હતા. આ કાશ્મીરી પંડિત પોતાના મૂળિયા સાથે જોડાયેલો રહ્યો હતો અને ૧૯૯૦માં આતંકવાદીઓના ભયના કારણે જાનકીનાથના પરિવાર સહિત અન્ય કાશ્મીરી પંડિતો ઘાટી છોડીને સ્થળાંતર કરી ગયા હતા, પણ જાનકીનાથે અહીં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.