માલ્યાની શરાબની ફેક્ટરી બંધ થતાં દોઢ હજાર કામદારો બેકાર

Monday 09th May 2016 09:19 EDT
 
 

પટનાઃ હાથીદાહમાં વિજય માલ્યાની શરાબની ફેક્ટરીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે, તેને પગલે દોઢ હજાર કુટુંબો સામે જીવનનિર્વાહના પ્રશ્નો સર્જાયા છે. ફેક્ટરીમાં ૧૭૫ નિયમિત અને ૪૫૦ કોન્ટ્રાક્ટથી કામદારો રોજગારી મેળવી રહ્યા હતા. ૨૦૦ અન્ય લોકો પણ સપ્લાય દ્વારા રોજગારી મેળવતાં હતાં. ૧૦૦થી વધુ ટ્રક જોતરાયેલી હતી. નારાજ કામદારોએ મેનેજમેન્ટ સમક્ષ વળતરની માગણી કરી છે.

ઉત્પાદન બંધ કરવાનું કારણ આપતાં મેનેજમેન્ટે કહ્યું છે કે રાજ્ય સરકારની નીતિ અનુકૂળ નહોવાને કારણે ફેક્ટરીમાં ઉત્પાદન બંધ થયું છે. સાધનોનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૬-૧૭ માટે કંપનીને લાઇસન્સ મળી ચૂક્યું છે છતાં ઉત્પાદન બંધ કરાયું છે. સ્થાનિકોનું કહેવું છે કે, વિજય માલ્યાના પિતાએ ૧૯૭૩માં આ યુનિટ શરૂ કર્યું હતું. મહેન્દ્રપુરના વતની શ્યામકિશોરસિંહે જણાવ્યું કે તે દિવસોમાં વિજય માલ્યાના પિતા વિઠ્ઠલ માલ્યા અહીં અનેક દિવસો સુધી રહ્યા હતા. મેકડોવેલનાં નામે ઉત્પાદન થતું હતું. શરાબની ફેક્ટરી ઊભી કરવા અનેક સ્થાનનાં પાણીના નમૂના લીધા હતા. હાથીદહનાં પાણીમાંથી તૈયાર થતો શરાબ ઉમદા માલૂમ પડતાં તે સ્થળ પર તેમણે પસંદગી ઉતારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter