મિત્રતાને માનવતાની સલામ

મુસ્લિમ પરિવારે હિન્દુ મિત્રના ટ્વીન્સને અપનાવ્યા

Wednesday 22nd July 2015 06:02 EDT
 
 

નવી દિલ્હીઃ એક તરફ ભારતમાં હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે કોમી તનાવના પ્રસંગો છાશવારે બનતા રહે છે ત્યારે બીજી તરફ ખારા રણમાં મીઠી વીરડી જેવો સામાજિક સૌહાર્દનો પ્રસંગ પ્રકાશમાં આવ્યો છે. મોહમ્મદ શાહનવાઝ ઝહીરના પરિવારે તેમના દિવંગત હિન્દુ મિત્રના જોડીયાં સંતાનો આયુષ અને પ્રાર્થના દયાળને ઉછેરવાની જવાબદારી ઉઠાવી છે. નોંધપાત્ર બીના એ છે કે દયાળ પરિવારના સંતાનોનો ઉછેર હિન્દુઓ તરીકે જ કરાશે. દિલ્હી હાઈ કોર્ટના આદેશ અનુસાર આ બાળકો માટે આયુષ પ્રાર્થના બેનિવોલન્ટ ફંડ નામે ટ્રસ્ટ રચાયું છે, જેમાં માતા-પિતાની સંપત્તિ જમા કરાવાશે.
આયુષ અને પ્રાર્થનાએ ૨૦૧૨માં એર હોસ્ટેસ માતા કવિતા અને પાઈલોટ પિતા પ્રવીણ દયાળને એક અકસ્માતમાં ગુમાવ્યા હતા. માતા-પિતાનું છત્ર ગુમાવનાર આયુષ અને પ્રાર્થના સાથે તેમના સગાંસંબંધીઓનો વ્યવહાર સારો ન હતો. માસુમ બાળકોએ પિતાના ખાસ મિત્ર અને કોમર્શિયલ પાઈલોટ ઝહીરઅંકલને આ વાત કરી.
ઝહીર અંકલે જરા પણ સમય ગુમાવ્યા વિના હિન્દુ માઈનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ હેઠળ આ બાળકોના વાલી બનવા માટે કોર્ટમાં પરવાનગી માગી. તમામ ધર્મો માટે આંખ ઉઘાડનારા સીમાચિહનરૂપ ચુકાદામાં જસ્ટિસ નાજમી વઝિરીએ પણ આ અરજીને સ્વીકારીને ભાઈ-બહેનના નામે ટ્રસ્ટ રચવાની મંજૂરી આપી છે. મૃત માતા-પિતાની સંપત્તિ વાલીઓને નહિ સોંપાય, પરંતુ આ ટ્રસ્ટમાં જમા કરાવાશે. ઈન્ડિયન કોમર્શિયલ પાઈલોટ્સ એસોસિયેશન અને અન્ય શુભેચ્છકોએ આ ભંડોળમાં ૧ કરોડ રૂપિયાથી વધુ અનુદાન આપ્યું છે.
ઝહીરે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘કોર્ટના આદેશમાં આ બાળકો અમારી સાથે સારી રીતે જોડાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા છે. અમારા ત્રણ માળના મકાનમાં મારા માતા-પિતા અને શ્વસુર પક્ષના સગાં રહે છે. આયુષ અને પ્રાર્થના તેમની આંખના સિતારા બની ગયાં છે. કોર્ટે મને તેમનો વાલી નિયુક્ત કર્યો હોવાથી તેમને પાસપોર્ટ પણ મળશે અને મારી સાથે તેઓ વિદેશ પણ આવી શકશે.’
ઝહીરે વધુમાં કહ્યું હતું કે, ‘આ બાળકો હિન્દુ ધાર્મિક રીતરિવાજોથી પરિચિત થાય તે માટે કોર્ટે તેમના એક પડોશી અરુણ સૈનીને જવાબદારી સોંપી છે. બન્ને બાળકો ઈચ્છે ત્યારે મંદિરોની મુલાકાત લઈ શકે છે. હું તેમનું ધર્માંતર કરાવવા માગતો નથી. તેમનો ઉછેર હિન્દુ તરીકે જ કરવામાં આવશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter