મુંબઈમાં રવિવારે મધરાતથી સોમવારે સવાર સુધીમાં 6 કલાકમાં 12 ઈંચ અનરાધાર વરસાદ પડવાથી આખું મુંબઈ પાણી...પાણી થઈ ગયું છે. જયાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જળપ્રકોપને કારણે તબાહી મચી છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જનજીવન ઠપ થઈ ગયું હતું. વિઝિબિલિટી ઓછી થવાથી એરપોર્ટ સત્તાવાળાઓએ 50થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. 27 ફ્લાઇટ્સને ડાઈવર્ટ કરાઈ છે. રસ્તાઓ જળબંબાકાર થઈ જતા ટ્રાફિકજામને કારણે વાહનવ્યવહારને માઠી અસર થઈ છે. અનેક સ્થળે વાહનો ફસાઈ ગયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. કેટલાક રૂટ પરની ટ્રેનો મોડી દોડી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ તેમજ રત્નાગિરિ અને સિંધુ દુર્ગમાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.