મુંબઈઃ દેશનાં માર્કેટમાં સોમવારે મન્ડે મેજિક જોવા મળ્યો હતો. સેન્સેક્સ પહેલીવાર 73,000ની સપાટી તોડીને ઓલટાઈમ હાઈ રહ્યો હતો. નિફ્ટીએ પણ 22,000ની સપાટી કુદાવીને નવી ટોચ બનાવી હતી. શેરબજારોનાં બંને ઈન્ડેક્સ નવી ઓલટાઈમ હાઈ સપાટી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સે સોમવારે 73,402 પોઈન્ટ અને નિફ્ટીએ 22,215 પોઈન્ટને સ્પર્શ કર્યા પછી સેન્સેક્સ 759 પોઈન્ટનાં ઉછાળે 73,327 બંધ રહ્યો હતો જયારે નિફ્ટી 202 પોઈન્ટ વધીને 22,097નાં સ્તરે બંધ આવ્યો હતો. મંગળવારે જોકે સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ તેણે 73,000 પોઇન્ટની સપાટી જાળવી હતી. બીએસઇ સેન્સેક્સ 73,129 પોઇન્ટ પર જ્યારે નિફ્ટી 22,032 પોઇન્ટ પર અટક્યો હતો.
શેરબજારમાં આઈટી અને બેન્ક શેરોમાં ફુલગુલાબી તેજી સાથે ચોગરદમ લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. આને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.70 લાખ કરોડનો વધારો થયો હતો.
માર્કેટ કેપ રૂ. 376.14 લાખ કરોડને પાર
માર્કેટમાં તેજી સાથે બીએસઈમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ વધીને 376.14 લાખ કરોડ થયું હતું. સોમવારે ચારેતરફ લેવાલીને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.70 લાખ કરોડનો વધારો થયો હતો. દેશની ટોચની 4 આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો અને HCLનાં માર્કેટ કેપમાં માત્ર બે સેશનમાં 22 બિલિયન ડોલરનો વધારો થયો હતો.