મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસઃ યાકુબ મેમણને ૩૦મીએ ફાંસી

Thursday 16th July 2015 06:21 EDT
 
 

મુંબઈઃ વર્ષ ૧૯૯૩માં ભારતની આર્થિક રાજધાની મુંબઇને હચમચાવી નાખનાર શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરેલા યાકુબ મેમણનું ડેથવોરંટ ઇચ્યુ થઇ ગયું છે. યાકુબ મેમણને ૩૦મી જુલાઇએ નાગપુરની જેલમાં સવારે સાત કલાકે ફાંસીના માંચડે લટકાવી દેવાશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ મામલે મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે નિર્ણય લેવાવાનો છે. કોર્ટ જે નિર્દેશ આપશે તેના પર મહારાષ્ટ્ર સરકાર અમલ કરશે.
સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાનાં ૨૨ વર્ષ બાદ દોષિત ઠરેલા યાકુબ મેમણને ૩૦ જુલાઇએ ફાંસી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કરી લીધો છે. જોકે ફાંસીની આ તારીખમાં ફેરફાર થઇ શકે. જો ૩૦મીએ સજાનો અમલ થશે તો ૧૯૯૩ના મુંબઇ બોંબ વિસ્ફોટ કેસમાં યાકુબ મેમણ પહેલો એવો ગુનેગાર છે જે ફાંસીના માંચડે લટકશે. યાકુબ મેમણે તેને થયેલી ફાંસીની સજા સામે સુપ્રીમ કોર્ટમાં બીજી વાર ફેરવિચાર અરજી કરી છે, જેના પર ૨૧ જુલાઈએ સુનાવણી થવાની છે.
અહેવાલ અનુસાર, યાકુબ મેમણને ફાંસી આપવા સંદર્ભે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તારીખ અને સમય બાબતે મંજૂરી આપી દીધી છે. જેલ વહીવટી તંત્રના નિયમ મુજબ ગુનેગાર અને તેના પરિવારને ૧૫ દિવસ પહેલાં ફાંસીની સજાના અમલની જાણ કરાતી હોય છે, જે પણ કરી દેવામાં આવી છે. યાકુબ હાલ શારીરિક અને માનિસક રીતે તંદુરસ્ત હોવાનું જેલ સત્તાવાળાઓએ જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter