મુંબઈઃ અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા અમેરિકન-પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટને આપેલી વીડિયો જુબાનીમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે કે ૨૦૦૮માં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ૨૬/૧૧ના મુંબઇ પર થયેલા આતંકી હુમલાના થોડાક જ સપ્તાહ બાદ મારા ઘરની મુલાકાત લીધી હતી.
અમેરિકાનાં અજ્ઞાત સ્થળેથી વીડિયો લિન્ક મારફતે સ્પેશિયલ જજ જી. એ. સત્પથીની કોર્ટમાં જુબાની આપતાં લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના આતંકી હેડલીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની મારા પિતાની અંતિમયાત્રામાં હાજરી આપવા અમારા નિવાસસ્થાને આવ્યા હતા. મારા પિતા ૨૬/૧૧ના રોજ મુંબઇ પર થયેલા આતંકી હુમલા બાદ એક મહિનામાં ૨૫ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ અવસાન પામ્યા હતા.
૨૫ માર્ચે કોર્ટમાં જુબાની આપતાં ૫૫ વર્ષના હેડલીએ જણાવ્યું હતું કે મારા પિતા પાકિસ્તાન રેડિયોના ડાયરેકટર જનરલ હતા અને તેમને મારી એલઈટી સાથેની કડીના સંપર્કની જાણ હતી. તેઓ મારા આતંકવાદી સંગઠન સાથેના સંબંધોથી ખુશ નહોતા. મારા પિતા, ભાઇ અને કેટલાંક સગાં પાકિસ્તાની સરકારમાં હતાં, પણ હું તેમની ઓળખ છતી કરી શકું તેમ નથી. જ્યારે તેને પૂછાયું કે તારા ઓરમાન ભાઇ ડેનિયલને તારા એલઈટીના સંબંધોની ખબર હતી ત્યારે હેડલીએ જણાવ્યું કે ડેનિયલ અને હું પાકિસ્તાનમાં એક જ શહેરમાં રહેતા નહોતા.
‘ઇશરતનું નામ લેવા કોઇએ જણાવ્યું નહોતું’
૨૬/૧૧ના મુંબઈ પર થયેલા આતંકી હુમલાના મુખ્ય આરોપી અબુ ઝુંદાલના વકીલ અબ્દુલ વહાબ ખાન દ્વારા હાલમાં હેડલીની ઊલટતપાસ કરવામાં આવી રહી છે. ઝુંદાલના વકીલે ઊલટતપાસ કરતાં હેડલીએ જણાવ્યું હતું કે એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ મને ઇશરત વિશે પૂછયું એટલે મેં તેનો જવાબ આપ્યો હતો... તેઓ મને ઇશરતનું નામ લેવા માટે શા માટે કહે? એનઆઇએએ મને ઇશરતનું નામ લેવા જણાવ્યું નહોતું. તેમણે મને ઇશરત વિશે ન પૂછયું એટલે મેં તેમને એ બાબત ન જણાવી. હું માત્ર તેમના સવાલોના જવાબ આપી રહ્યો હતો. કોઇ ભાષણ આપતો નહોતો કે હું તેનું નામ લઉં. જ્યારે અબુ ઝુંદાલના વકીલે સવાલ કર્યો કે તારી કોઇ માનસિક બીમારી માટે સારવાર કરવામાં આવી છે ખરી? ત્યારે હેડલીએ ભડકીને જણાવ્યું હતું કે ‘યે ક્યા ચીઝ મેરે ખાતે મેં ડાલ રહે હૈ, વહાબસાહબ. નહીં ઐસા કોઇ વાકયા નહીં હુઆ.’
શિવ સેના માટે અમેરિકામાં ફંડરેઇઝીંગ
અગાઉ હેડલીએ કોર્ટને જણાવ્યું હતું કે મેં અમેરિકામાં શિવ સેના માટે ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એ કાર્યક્રમમાં અમે શિવ સેનાના તત્કાલીન વડા બાળ ઠાકરેને આમંત્રિત કરવાનું વિચાર્યું હતું. જોકે આ બધું શરૂઆતના તબક્કે હતું અને અમે બાળ ઠાકરેને આમંત્રણ આપવા કોઈ વિશેષ યોજના બનાવી નહોતી કે તેમના પર હુમલો કરવાની કોઇ યોજના નહોતી.
હાલ અમેરિકાની જેલમાં ૩૫ વર્ષની કેદની સજા ભોગવી રહેલા હેડલીએ જણાવ્યું હતું કે શિવ સેનાના કાર્યકર રાજારામ રેગેએ મને જણાવ્યું હતું કે બાળ ઠાકરે બીમાર છે એટલે તેમનો પુત્ર અને અન્ય અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહી શકશે. એક સવાલના જવાબમાં હેડલીએ જણાવ્યું કે મેં ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમ બાબતે એલઈટી સાથે ચર્ચા કરી હતી. શું બાળ ઠાકરેને આ કાર્યક્રમની જાણ હતી તેવા સવાલના જવાબમાં હેડલીએ વળતો સવાલ કર્યો હતો કે મને આની કેવી રીતે ખબર હોય? મેં રાજારામ રેગે સાથે વાત કરેલી અને તેણે મને જણાવ્યું કે બાળ ઠાકરેને પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. હેડલીએ સ્વીકાર્યું કે તેણે આ કાર્યક્રમ વિશે રેગે સાથે ચર્ચા કરી હતી.
યહૂદી બંધકોના બદલામાં કસાબની મુક્તિ
હેડલીએ જણાવ્યું હતું કે, ભારતીય દળોએ કસાબને જીવતો પકડી લેતા લશ્કર-એ-તૈયબામાં હેડલીના હેન્ડલર સાજિદ મીરે આતંકી હુમલા વેળા નરિમાન હાઉસમાં રહેલા યહુદીઓને બંધક બનાવવા કહ્યું હતું, જેથી કસાબને ભારતના સકંજામાંથી મુક્ત કરાવી શકાય.
૧૯૭૧ના યુદ્ધ બાદ ભારત માટે નફરત
હેડલીએ કોર્ટને જણાવ્યું હતું કે, ૭ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારતનાં યુદ્ધ વિમાનોએ મારી સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં સ્કૂલમાં કામ કરતાં ઘણાં લોકોનાં મોત થયાં હતાં, આ ઘટના બાદ મને ભારત સામે નફરત થઈ ગઈ હતી. લશ્કર-એ-તૈયબામાં જોડાવાનું એક કારણ એ હતું કે, મારે ભારતે મારી શાળા પર કરેલા હુમલાનો બદલો લેવો હતો. મને નાનપણથી જ ભારતીયો માટે નફરત હતી.
હેડલીની તપાસના મુખ્ય મુદ્દા
• મારા પિતા પાકિસ્તાન રેડિયોના ડાયરેક્ટર જનરલ હતા અને તેમને મારી એલઈટી સાથેની કડીની જાણ હતી.
• મારા પિતા ૨૬/૧૧ના મુંબઇ પર થયેલા આતંકી હુમલા બાદ એક મહિનામાં ૨૫ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ ગુજરી ગયા હતા.
• પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ મારા પિતાની અંતિમયાત્રામાં હાજરી આપવા મારે ઘરે આવ્યા હતા.
• મેં અમેરિકામાં શિવ સેના માટે ભંડોળ ઊભું કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં અમે શિવ સેનાના તત્કાલીન વડા બાળ ઠાકરેને આમંત્રિત કરવાનું પણ વિચાર્યું હતું.