મુંબઇઃ મહાનગરની આગવી ઓળખ સમાન બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં 18.5 એકરમાં સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય જીઓ વર્લ્ડ સેન્ટરનો એક ભાગ ખુલ્લો મૂકાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ડિરેક્ટર નીતા અંબાણીની કલ્પના મુજબ આકાર લઈ રહેલું આ જીઓ વર્લ્ડ સેન્ટર પ્રતિષ્ઠિત બિઝનેસ, કોમર્સ અને કલ્ચર સ્થળ તરીકે ભારત અને ભારતીયો માટે વર્લ્ડ ક્લાસ લેન્ડમાર્ક બની રહેશે.
તબક્કાવાર રીતે ખુલ્લા મૂકાનારા આ જીઓ વર્લ્ડ સેન્ટરમાં અત્યારે ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને મ્યુઝિકલ ફાઉન્ટન ઓફ જોયનો પ્રારંભ કરાયો છે. મુંબઈ શહેર જ નહીં, ભારતના સૌથી મોટા તથા શ્રેષ્ઠ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરને સમર્પિત કરાયા બાદ હવે આગામી સમયમાં વર્લ્ડ સેન્ટરનું તબક્કાવાર ઓપનિંગ કરાશે. 2023ના અંત સુધીમાં તમામ કેન્દ્ર ધમધમતા થઈ જશે. ભારતમાં આ પ્રકારના પ્રથમ ડેસ્ટિનેશન એવા જીઓ વર્લ્ડ સેન્ટરમાં સાંસ્કૃતિક કેન્દ્ર, મ્યુઝિકલ ફાઉન્ટેન, રિટેલ અનુભવ, ખાસ પસંદ કરાયેલા કાફે અને ડાઇનિંગ રેસ્ટોરાં, સર્વિસ એપાર્ટમેન્ટસ અને ઓફિસો તથા ખાસ કન્વેન્શન ફેસિલિટીનો સમાવેશ થાય છે. હાલમાં ધીરુભાઈ અંબાણી સ્કવેર અને મ્યુઝિકલ ફાઉન્ટેન ઓફ જોયને ખુલ્લા મૂકાયા છે.
આ સેન્ટર માટેનું પોતાનું વિઝન જણાવતાં નીતા અંબાણીએ કહ્યું કે, ‘જીઓ વર્લ્ડ સેન્ટર આપણા ગૌરવશાળી રાષ્ટ્રને સમર્પિત છે અને તે નવા ભારતની આકાંક્ષાઓનું ઝળહળતું પ્રતીક છે. સાંસ્કૃતિક અનુભવોથી લઈને રીટેલ અને ડાઇનિંગ સુવિધા અહીં ઉપલબ્ધ છે. આ જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈના નવા લેન્ડમાર્કની કલ્પનાનું પ્રતીક બની રહેશે. આ સેન્ટરમાં આપણે બધા સાથે મળીને ભારતની વિકાસગાથાનું ભાવિ પ્રકરણ લખીશું.’ એક ખાસ સમારંભમાં શિક્ષકોને સન્માનિત કરવાની સાથે સાથે આ પબ્લિક એન્ટરટેઈન્મેન્ટ પ્લેસને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.