મુંબઈઃ ભારતના તો શું દુનિયાના ગુનાખોરીના ઇતિહાસમાં પણ ભાગ્યે જ બની હશે તેવી અરેરાટીભરી ઘટના મુંબઇના સીમાડે નોંધાઇ છે. મહાનગરથી ૩૨ કિલોમીટર દૂર થાણેના કાસારવડવલી ખાતે ઘોડબંદર હાઈવે પર એક માળના બંગલોમાં શનિવારે મધરાત્રે એક યુવાને તેના જ પરિવારના ૧૪ સભ્યોની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ રક્તરજિત હત્યાકાંડ બાદ ૩૫ વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવાને હાથમાં લોહીનીતરતા છરા સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
શનિવારે રાત્રે પારિવારિક દાવત બાદ કુટુંબીજનો સૂતા હતા ત્યારે આરોપી યુવકે એક પછી એક પત્ની, બે માસુમ પુત્રી, માતા-પિતા, બહેનો અને તેમના સંતાનોના ગળા કાપી નાખ્યા હતા. જોકે આ નૃશંસ હત્યાકાંડ દરમિયાન આરોપીની એક બહેન જીવ બચાવવામાં સફળ રહી હતી. હત્યારા ભાઇના પંજામાંથી છટકીને તે એક રૂમમાં પુરાઇ જતાં તેનો જીવ તો બચી ગયો હતો, પણ હુમલામાં તેને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
સંભવતઃ કૌટુંબિક ઝઘડા કે પ્રોપર્ટીના વિવાદના કારણે આ સામૂહિક હત્યાકાંડ આચરાયો હોવાનું ચર્ચાય છે. આરોપી પાસેથી સ્યુસાઇડ નોટ મળી ન હોવાથી હાલ પોલીસ સામૂહિક હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ જાણી શકી નથી. મર્ડર કરતાં પહેલા આરોપીએ મૃતકોને જમવામાં ઘેનની દવા કે ઝેર આપ્યું હોવાની શક્યતા છે. હાલ પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને આ કમકમાટીભર્યા કેસની તપાસ કરી રહી છે.
થાણેમાં આવેલા કાસારવડવલી ખાતે મસ્જિદ સામે ૩૫ વર્ષીય હસનૈન અનવર વરેકર તેની પત્ની જબિન વરેકર (૨૮) બે પુત્રી છ વર્ષીય મુબતશિરા અને ત્રણ મહિનાની ઉમેરા, પિતા અનવર તથા માતા અસગડી સાથે રહેતો હતો. થાણેના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ આશુતોષના જણાવ્યા મુજબ આરોપી યુવકે શનિવારે રાતે તેના ઘરે પારિવારિક જમણવાર રાખ્યો હતો. આથી નવી મુંબઇમાં કૌપરખૈરણે અને ભિવંડીમાં મહાપોલી ખાતે રહેતી તેની બહેનો તેમના પુત્ર-પુત્રી સાથે ભાઇ હસનૈનને ત્યાં આવ્યા હતા.
રાત્રે જમ્યા બાદ હત્યારો યુવાન હસનૈન અનવર વરેકર તેની પત્ની અને બે સાથે સંતાનો પહેલા માળે સાથે જ્યારે માતા-પિતા અને ત્રણેય બહેનો તેમના સંતાનો સાથે ભોંયતળિયે બે અલગ અલગ રૂમમાં સૂઇ ગયા હતાં. આ સમયે નિર્દય આરોપીએ બકરા કાપવાના છરા વડે પત્ની જબિન, બે પુત્રીઓ મુબતશિરા તથા ઉમેરા, પિતા અનવર, માતા અસગડી, બહેન બતુલ અનવર વરેકર (૩૦), કોપરખૈરણેમાં રહેતી બહેન શબિના સૌકત ખાન (૩૫), તેની બે પુત્રીઓ અનસ શૌકત ખાન (૧૨), સાદિયા શૌકત ખાન (૧૬), પુત્ર અલીહસન શૌકત ખાન (૫), બહેન મારિયા અરફાન ફુક્કી (૨૮), તેના બે પુત્ર ઉમેર અરફાન ફુક્કી (૭), યુસુફ અરફાન ફુક્કી (૪), ભિવંડીમાં રહેતી બહેન સુબિયા જોસેફ ભારમલની પુત્રી અસરિયા (પાંચ માસ)ની ગળા કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. જ્યારે સુબિયાને ગળા પર ગંભીર ઇજા થઇ હતી.
પોતાના જ પરિવારના ૧૪ જણની હત્યા બાદ આરોપી હસનૈને હાથમાં છરો રાખીને બેડરૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આરોપી યુવકે મૃતક અને ઇજાગ્રસ્તના જમવામાં કે કોલ્ડ ડ્રીન્કમાં ઘેનની દવા કે ઝેર ભેળવી દીધું હોવાની શક્યતા છે. આથી કદાચ હત્યાકાંડ વખતે તેઓ ઘેન અવસ્થામાં હતા અને જીવ બચાવવાનો પ્રયત્ન પણ કરી શક્યા નહોતા.
આ ભયાજનક ઘટના બાદ ઇજાગ્રસ્ત સુબિયા ભારમલે બારીમાંથી બૂમાબૂમ કરી હતી. આ સાંભળીને સ્થાનિક લોકો મદદ માટે દોડી ગયા હતા. તેમણે સુબિયાને ઘરની બહાર કાઢીને પોલીસને બનાવની જાણ કરી હતી. સુબિયા પાસેથી આ હત્યાકાંડનું સાચું કારણ જાણવા મળી શકે છે એવો પોલીસનો અંદાજ છે. જોકે હાલમાં તે આઘાતમાં હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરી શકી નથી.
હત્યારો બકરા કાપવામાં માહેર હતો
મુસ્લિમ સમુદાયમાં પશુની કુરબાની આપવાની જે પ્રથા છે એમાં હસનૈન અનવર વરેકર માહેર હતો. કદાચ આ જ કારણથી તેણે છરાથી એક ઝાટકે પરિવાજનોના ગળા કાપી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અરેરાટીપૂર્ણ હત્યાકાંડને અંજામ આપતા પહેલા આ ઘાતકી નરાધમે રાત્રે ત્રણ વાગ્યે નમાઝ અદા કરી હતી. આ પછી તેણે ૧૪ જણની હત્યા બાદ આત્મહત્યા કરી હતી.
હત્યાકાંડ પૂર્વ આયોજિત?
લોહીના નમૂના, વિસેરા અને ખોરાકના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને એનો રિપોર્ટ મળ્યા બાદ કેસ ઉકેલવા જરૂરી માહિતી મળી શકશે એમ પોલીસે કહ્યું હતું. પોલીસ હસનૈન અનવર વરેકરના મોબાઇલ ફોનના રેકોર્ડ અને લેપટોપની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેથી તે કોના સંપર્કમાં હતો એની વિગત મેળવી શકાય. મૃતક આરોપીએ સામૂહિક હત્યાકાંડનું અગાઉથી જ કાવતરું ઘડ્યું હોવાથી તમામને જમવા માટે ઘરે તેડાવ્યા હોવાની પોલીસને શંકા છે.
ઘટનાસ્થળના સાક્ષી હનીફ પટેલે જણાવ્યું હતું કે શનિવારે પરોઢિયે ૩.૧૦ વાગ્યે વરેકર પરિવારના ઘરમાંથી કોઈક મહિલાની ચીસો સંભળાતાં અમે દોડી ગયા હતા. તે સમયે ઘરના બધા દરવાજા અને બારી અંદરથી બંધ કરેલા જણાયા હતા. એક બારીની ગ્રિલ તોડીને થોડા પાડોશીઓ સાથે ઘરમાં પ્રવેશ કરતાં બધા પરિવારજન લોહીથી લથપથ જણાયા હતા, જ્યારે હસનૈને ગળાફાંસો ખાઇ લીધો હતો અને તેના હાથમાં કુરબાની આપવા માટે ઉપયોગમાં લેવાતો છરો હતો. એકમાત્ર તેની ૨૨ વર્ષીય બહેન સુબિયા ભારમાલ જીવિત હતી, જે ભયભીત થઈને ચીસો પાડી રહી હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પરિવાર પૈસેટકે સમૃદ્ધ
હસનૈન અનવર વરેકર નવી મુંબઈમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીના હિસાબકિતાબ સંભાળતો હતો. તે સુશિક્ષિત હતો. શાંત હતો. પરિવારજનના કોઈ ભૂતકાળના પોલીસ રેકોર્ડ નથી. પાડોશીઓની પણ કોઈ ફરિયાદ નથી. પરિવાર પૈસેટકે પણ સદ્ધર હતો. અન્યોને મદદરૂપ થતો હતો. પરિવારમાં કોઈ ઝઘડા હોવાનું ક્યારેય જણાયું નહોતું. જોકે આમ છતાં તેણે આવું ક્રૂર કૃત્ય શા માટે કર્યું હશે એ બાબતે સૌ કોઈ મૂંઝવણમાં છે. હસનૈને દાવત આપવાને બહાને બધાને ઘરમાં ભેગા કર્યા હતા. ત્રણ બહેનોને બોલાવી હતી, પરંતુ જીજાજીઓને કેમ દૂર રાખ્યા તે બાબતે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે.
અગાઉ પણ ખોરાકમાં ઝેર ભેળવ્યું હતું
સ્થાનિક કોર્પોરેટર નરેશ મણેરાએ જણાવ્યું હતું કે બે વર્ષ પૂર્વે હસ્નૈન અનવર કોઈ તાંત્રિક પાસેથી દવાના નામે કંઈક લાવ્યો હતો. તેણે તે ભોજનમાં ભેળવીને આખા પરિવારને ખવડાવી દીધું હતું. ત્યાર બાદ સાત લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને ખૂબ જ મુશ્કેલીથી તેમનો જીવ બચ્યો હતો. તે સમયે ખાવામાં ઝેર હોવાની વાત પુરવાર થઈ હતી.
માતા બચી, દીકરી ગુમાવી
આ ઘટનામાં સુબિયા બચી ગઈ છે, પરંતુ તેની પાંચ મહિનાની દીકરી તેણે ગુમાવી દીધી છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કમિશનર પરમવીર સિંહ ખુદ દોડી આવ્યા હતા. આ ઉપરાંત વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘરને સીલ કરાયું છે અને બહાર બે પોલીસને તહેનાત કરી દેવાયા છે.
હસનૈને જ બધાને મારી નાખ્યાં
ડીસીપી વિલાસ ચંદનશિવેએ જણાવ્યું હતું કે સાબિયાએ કબૂલ કર્યું છે કે તેના ભાઈએ જ બધાને મારી નાખ્યા છે. હસનૈને બધાના ગળા ચીરી નાખ્યા પછી છાતી પર પણ ઘા કર્યા હતા. આ પછી પોતાનો જીવ દીધો હતો. થાણેના પાલક પ્રધાન એકનાથ શિંદે પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મનોચિકિત્સક શું કહે છે?
ડો. સાગર મુંદડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે અમેરિકામાં આવા હત્યાકાંડ સર્જાતા હોય છે. સામાન્ય રીતે માણસ તાણ હેઠળ હોય અને મનમાં તે દબાવી રાખે તો તે એક દિવસ આ રીતે ઊથલો મારી શકે છે. આ કેસમાં હત્યારો શાંત, સુશિક્ષિત હતો એવું કહેવાય છે. જોકે માનસિક બીમાર અને સુશિક્ષિત વચ્ચે મોટું અંતર છે. માનસિક બીમાર હોય તેમનું મન પર કોઈ નિયંત્રણ હોતું નથી. તેઓ વાત દબાવી રાખે છે, જે પછી આ રીતે ઊથલો મારી શકે છે. અમારી પાસે ઘણા બધા આ પ્રકારના કિસ્સા આવે છે.
ફોટોગ્રાફરનું હાર્ટ એટેકથી મોત
એક જ પરિવારના ૧૪ સભ્યોની હત્યાની હૃદયદ્રાવક ઘટનાથી ભલભલાને કંપારી છૂટી જાય તેવું દૃશ્ય ઘટનાસ્થળે સર્જાયું હતું. આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા પત્રકારો અને ફોટોગ્રાફરો પણ હૃદયદ્રાવક દૃશ્યો જોઇ હેબતાઇ ગયા હતા. થાણેની સિવિલ હોસ્પિટલમાં આ ઘટનાનું કવરેજ કરવા ગયેલ એક પ્રેસ ફોટોગ્રાફર રતન રાધેશ્યામ ભૌમિક ફોટોગ્રાફ્સ લેતી વખતે જ છાતીમાં દુખાવો ઉપડતા ફસડાઇ પડયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જોકે તેમણે ગયા વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરાવ્યાનું ખૂલ્યું હતું.