મુંબઇઃ જે પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-ટુ પર લાંબો સમય રોકાવાનું હોય તો તેવા ટ્રાન્ઝિટ પેસેન્જર્સ માટે પેઈડ રૂમ સર્વિસ ૩૦ જુલાઈથી શરૂ થઇ રહી છે. ડે હોટેલ નામે ઓળખાતી ૩૨ રૂમની હોટેલમાં આવા પ્રવાસીઓને ઉતારો મળશે. ૩૦ જુલાઈએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએલ)ની સંચાલક કંપની જીવીકેના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન જી. વી. કે. રેડ્ડી આ સર્વિસનું ઉદઘાટન કરશે.
પ્રવાસીઓ આ હોટેલમાં વધુમાં વધુ ૧૨ કલાક રહી શકશે. ટર્મિનલના લેવલ-વન પર રૂમ-સર્વિસ ઉપલબ્ધ રહેશે. ઈન્ટરનેશનલ ટર્મિનલ પર સુરક્ષાના મુદ્દે પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ તેનું નિરાકરણ થયું છે અને હોટેલની સર્વિસ શરૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે.
એરપોર્ટ ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે હોટેલમાં રસોડું પણ રહેશે અને મુસાફરોને તાજું ભોજન મળશે. જોકે રૂમ્સના દર હજી નક્કી થયા નથી. એ દર ટિકીટ ખરીદતી વખતે જ વસૂલ કરાશે. એવી રીતે એક હોટેલ ડિપાર્ચર વિસ્તારમાં બાંધવામાં આવશે અને ટર્મિલન-૨ના ક્ષેત્રમાં રૂમ ફેસિલિટી માટેની અન્ય એક હોટેલ આયોજન કરી રહી છે. આ ઉપરાંત ત્યાં ૨૧,૦૦૦ ચોરસ મીટરનો રીટેલ શોપિંગ એરિયા પણ હશે.