મુંબઇઃ મુંબઇની લોકલ ટ્રેનોમાં ૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના કેસમાં વિશેષ અદાલતે પાંચ કસૂરવારોને મૃત્યુદંડ અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી છે. મુંબઈને ધ્રુજાવનારા બોમ્બધડાકામાં ૧૮૯ લોકોના મોત થયા હતા અને ૮૦૦ જેટલા લોકોને ઈજા થઈ હતી. આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) કોર્ટના વિશેષ જજ યતિન શિંદેએ ફૈસલ સેખ, આસિફ ખાન, કમાલ અન્સરી, અહેતેશામ સિદ્દીકી અને નાવેદ ખાનને મૃત્યુદંડની સજા કરી છે.
આ આરોપીઓએ વિવિધ ટ્રેનોમાં બોમ્બ મૂક્યા હતા.અન્ય સાત કસૂરવારોએ બોમ્બ બનાવવા માટે સાહિત્ય અને મદદ પૂરા પાડયા હતા. જેમાં મોહમ્મદ સાજીદ અન્સારી, મોહમ્મદ અલી, ડો. તનવીર અન્સારી, માજીદ શફી, મુઝમ્મીલ શેખ, સોહેલ શેખ અને ઝમીર શેખને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી) સાથે સંકળાયેલા હતા.
• બિહારમાં ચૂંટણીના માહોલમાં ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુલ મુસ્લિમીન (એમઆઇએમ)ના નેતા અકબરૂદીન ઓવૈસીએ ગુજરાતના રમખાણોનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શૈતાન અને જાલિમ ગણાવ્યા હતા. અકબરૂદીને કહ્યું હતું કે એક વર્ગ છે જેમાં હું પણ સામેલ છું જે એ માને છે કે ગુજરાતના રમખાણોનો જવાબદાર કોઇ નહિ પરંતુ નરેન્દ્ર મોદી જ છે.
• બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ મેદાનમાં ઉતારેલા ઉમેદવારોને જોતાં એમ લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જનતા પર અપરાધીઓનું જ શાસન હશે. ૧૨ ઓક્ટોબરે યોજાનારા પ્રથમ ચરણમાં ૪૯ બેઠકો પર મતદાન યોજાશે, જેમાં ૩૦ ટકા એટલે કે ૧૭૪ ઉમેદવારો સામે અપરાધિક કેસ દાખલ થયેલા છે.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ઉમેદવારોએ દાખલ કરેલી એફિડેવિટોના આધારે જણાવ્યું છે કે બાવીસ ટકા એટલે કે ૧૩૦ ઉમેદવારો પર તો હત્યા, હત્યાનો પ્રયાસ, કોમી રમખાણો ભડકાવવાં, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.
• કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી છે. બિહારમાં ગત સપ્તાહે વઝીરગંજમાં ચૂંટણી સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિદેશમાં રાજકીય પ્રતિસ્પર્ધીઓની ટીકા કરી તેઓ પોતાની સંકુચિત માનસિકતા પ્રદર્શિત કરે છે અને નિમ્ન કક્ષાનું રાજકારણ રમે છે. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈપણ વડા પ્રધાને વિદેશની ધરતી પર પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓની ટીકા કરી નથી. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવું કરી રહ્યા છે જે એમની સંકુચિત માનસિકતા દર્શાવે છે.
• બિહારના ચૂંટણી ઢંઢેરાને વધુ આકર્ષક બનાવતા ભાજપે જાહેરાત કરી છે કે ધોરણ-૧૦ અને ૧૨ પાસ કરનાર ૫૦૦૦ તેજસ્વી વિદ્યાર્થિનીઓને સ્કૂટીની સાથે બે વર્ષ માટે મફત પેટ્રોલ પણ આપશે. કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે સ્કૂટી આપવાની જાહેરાત કરીને સમગ્ર બિહારની પ્રજાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે ભાજપની સ્કૂટી આપવાની જાહેરાત અંગે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે સ્કૂટી માટે પેટ્રોલ પણ કોણ આપશે? નીતિશકુમારની આ ટિપ્પણી પછી ભાજપે બે વર્ષ માટે પેટ્રોલ પણ મફત આપવાની જાહેરાત કરી છે.