મુંબઇઃ દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ હવે સલૂન બિઝનેસમાં ઝંપલાવવાની તૈયારીમાં છે. એક બિઝનેસ ડેઇલીના અહેવાલ મુજબ, રિલાયન્સ ગ્રૂપે ચેન્નઈ સ્થિત નેચરલ્સ સેલોન એન્ડ સ્પામાં લગભગ 49 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. રિલાયન્સ રિટેલ 49 ટકા હિસ્સો હસ્તગત કરીને સંયુક્ત સાહસ રચી શકે છે.
‘ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલમાં અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે નેચરલ્સ સેલોન એન્ડ સ્પાના ભારતમાં લગભગ ૭૦૦ આઉટલેટ્સ છે અને રિલાયન્સ તેને ચાર-પાંચ ગણા વધારવા માંગે છે. આ વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે નેચરલ સલૂન એન્ડ સ્પા ચલાવતી કંપની ગ્રૂમ ઈન્ડિયા સલૂન એન્ડ સ્પા છે. કંપની હિંદુસ્તાન યુનિલિવરની લેક્મે બ્રાન્ડ અને એનરિચ સહિતની પ્રાદેશિક બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી રહી છે.
ભારતમાં રૂ. 20,000 કરોડના સલૂન ઉદ્યોગમાં બ્યુટી પાર્લર અને હેર કટિંગ શોપ્સને આવરી લેતાં લગભગ 6.5 મિલિયન લોકો જોડાયેલા છે અને તે કોવિડ-19 રોગચાળા દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત પૈકીનો આ ઉદ્યોગ હતો.
નેચરલ્સ સલૂન એન્ડ સ્પાના સીઇઓ સી.કે. કુમારવેલે કહ્યું હતું કે કોવિડને કારણે દરેક વ્યવસાયને અસર થઈ અને સલૂન કદાચ સૌથી વધુ પ્રભાવિત થયા. જોકે છેલ્લા સાત મહિનામાં બિઝનેસ મજબૂત રહ્યો છે. અમે હિસ્સો ઘટાડી રહ્યા છીએ, અને તે કોવિડને કારણે નથી.
આ અહેવાલ અંગે રિલાયન્સ રિટેલના પ્રવક્તાએ કોઈ માહિતી આપી નથી. પ્રવક્તાએ કહ્યું કે અમારી પોલિસીના ભાગરૂપે અમે મીડિયાની અટકળો અને અફવાઓ પર ટિપ્પણી કરતા નથી.